સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

ભૂગર્ભ જળના કારણે કિડનીના રોગ વધ્યાઃ ડાયાલીસીસ માટે જસદણમાં સુવિધા આપવા માંગણી

જસદણનાં પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયાની વિજયભાઇ રૂપાણી-નીતીનભાઇ પટેલને રજુઆત

રાજકોટ તા. ૩૦: જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરીના અને જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલને પત્ર પાઠવીને કિડનીનાં રોગચાળામાં વધારો થતા જસદણ સિવીલ હોસ્પિટલમાં ડાયાલીસીસની સુવિધા કરવા માંગણી કરી છે.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં ભૂગર્ભ જળના સ્તર ખૂબ જ નીચે ગયા છે. ૧૦૦ ફૂટથી વધારે ઉંડા કૂવામાં ઉનાળામાં પાણી મળતું નથી એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે. અમુક વિસ્તારમાં ૧૦૦૦ થી ર૦૦૦ ફૂટ સુધીના ઉંડા બોર કરવા છતાં પાણી નહીં મળ્યાનું જાણવા મળે છે. તેમ જ આ પાણી ગરમ તેમજ ક્ષારવાળું હોવાથી શાકભાજીના વાવેતર માટે તથા પીવાના પાણી માટે ઉપયોગ થઇ શકતો નથી.

હાલમાં ૪૦ થી પ૦ ફૂટના કૂવામાંથી સારા વરસાદને લીધે પાણી બહાર છલકાઇને વહી જતું હોવા છતાં પીવા લાયક રહેતું નથી તેમજ નર્મદાનું પીવાનું પાણી અમુક ગામડામાં ૪ થી પ દિવસે મળે છે. મોટા ભાગના ગામડામાં પીવાનું પાણી ક્ષારયુકત કે અન્ય ખામીવાળું હોવાથી શરીરમાં પથરી થવાના ઘણાં કેસ બને છે અને જેના પરિણામે કિડની ફેઇલ થવાથી દર્દીઓના અવસાન થયા છે.

કિડની ફેઇલ થવાથી ડાયાલીસીસ કરાવવાની ફરજ પડે છે. અમુક દર્દીઓને અઠવાડીયામાં ર વખત ડાયાલીસીસ કરાવવું પડે છે અને લોહી પણ ચડાવવું પડે છે. મોટા ભાગના દરદીઓને ઘણાં લાંબા સમય સુધી સારવાર લેવી પડે છે અને ૬૦ થી ૧૦૦ કી.મી. દૂરના ગામડામાંથી રાજકોટ જવું પડે છે.

જસદણ, વિંછીયા, ચોટીલા, બાબરા, સાયલા તાલુકાના જસદણ શહેરની નજીકના ગામડાના દર્દીઓને રાજકોટ સુધી જવું ન પડે અને નજીકમાં ડાયાલીસીસમાં ૩ થી ૪ બેડની વ્યવસ્થા કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા આરોગ્યમંત્રી નિતીનભાઇ પટેલને રજૂઆત કરેલ છે.

(3:35 pm IST)