સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

કોરોના સામે રિક્ષા ચાલકોમાં જાગૃતિ લાવવા જૂનાગઢ પોલીસ તંત્રના પ્રયાસ

જૂનાગઢ,તા. ૩૦: હાલમાં તહેવારો બાદ ફરીથી કોરોના વાયરસનાં સંક્રમણ વધ્યું હોઈ, કોરોનાના કહેર સામે જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, લોકોને છૂટછાટ આપવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી ના ધ્યાને આવેલ માહિતી મુજબ રીક્ષા ચાલકો પોતે માસ્ક નહીં પહેરતા હોવાની તથા વધુ પેસેન્જરો બેસાડતા હોવાની મળેલ માહિતી આધારે રિક્ષાચાલકોમાં જાગૃતિ લાવવા કરવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા જૂનાગઢ શહેર ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઇ એ.બી.દેસાઈ, રીડર પીએસઆઇ આર.કે.સાનિયા, ટેકિનકલ સેલના પીએસઆઇ પ્રતીક મશરૂ તથા સ્ટાફના એ.એસ.આઈ. રમેશભાઈ, હે.કો. ઝવેરગીરી, સહિતના માણસો દ્વારા જૂનાગઢ શહેરના રિક્ષા એસીસીએશનના આરીફભાઈ સુમરા, રવજીભાઈ, આસિફભાઈ કચ્છી, સહિતના હોદેદારો તથા રીક્ષા ચાલકો સાથે મિટિંગ કરી, તમામ રિક્ષા ચાલકો દ્વારા માસ્ક ગળે લટકાવવાના બદલે માસ્ક અવશ્ય પહેરવામાં આવે, પોતાની રિક્ષામા ત્રણ જ પેસેન્જરો સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બેસે, પેસેન્જરો પણ અવશ્ય માસ્ક પહેરે, રીક્ષા સ્ટેન્ડ પર પણ બધા રીક્ષા ચાલકો ભેગા થઈને બેસવાના બદલે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બેસે અથવા ઉભા રહે, રીક્ષા મા સેનેટાઇઝર રાખે, જેનો પોતાના માટે તેમજ પેસેન્જરો માટે ઉપયોગ કરે, એ પ્રકારે સુચનાઓ આપી, જન જાગૃતિ લાવવા નવતર પ્રયોગ કરવામાં આવેલ છે. ઉપરાંત, રિક્ષા ચાલકોના જુના ઇ મેમો ભરી દેવા પણ સૂચના કરવામાં આવેલ હતી. રીક્ષા ચાલકો દ્વારા પણ નિયમોના પાલન કરવા તેમજ માસ્ક વગરના પેસેન્જર ને પોતાની રિક્ષામાં બેસાડવામાં જ નહીં આવે, તેવી ખાત્રી આપેલ હતી.

(12:53 pm IST)