સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

જૂનાગઢ ઝૂની માનવભક્ષી દીપડાની જેલમાં ૫૦ કેપેસીટી સામે ૬૦ દીપડા

દર અઠવાડીયે બે દીપડા બંદીવાન થાય છે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૩૦ :. જૂનાગઢ ઝૂની માનવભક્ષી દીપડાની જેલમાં ૫૦ની કેપેસીટી સામે ૬૦ દીપડા થઈ જતા કેટલાક દીપડાનું શિફટીંગ હાથ ધરવામાં આવેલ છે.

માનવભક્ષી કે માનવ પર હુમલા કરેલા દીપડા માટે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એક જેલ જેવી વ્યવસ્થા છે. અહીં ૫૦ દીપડા રહી શકે તેવી વ્યવસ્થા છે પરંતુ હાલ માનવભક્ષી દીપડાની જેલમાં ખૂંખાર દીપડાની સંખ્યા ૬૦ થઈ ગઈ છે.

આ જેલમાં દર અઠવાડીયે બે દીપડા બંદીવાન થાય છે. આથી માનવભક્ષી દીપડાની જેલમાં કેટલાક દીપડાનું શિફટીંગ હાથ શરૂ કરાયુ છે. જેના ભાગરૂપે જામનગર ખાતે બનેલા ગ્રીન ઝુલ લોઝીકલ પાર્ક રેસ્કયુ એન્ડ રિહિબીલેશન કિંગ્ડમ ખાતે દીપડાને જરૂરી મંજુરીને લઈ મોકલવામાં આવી રહ્યા છે.

કુલ ૩૫ દીપડાને મોકલવાની મંજુરી મળી છે. જેમાંથી અગાઉ ૧૨ દીપડાને રવાના કરાયા બાદ ગઈકાલે વધુ ૧૨ દીપડા મોકલવામાં આવેલ અને હજુ ટૂંક સમયમાં ૧૧ દીપડાને મોકલવામાં આવશે.

જામનગર ખાતે મોકલવામાં આવતા દીપડા સફારી પાર્કમાં નહિ પરંતુ રેસ્કયુ સેન્ટરમાં જ રહેશે. અહીં તેમની સારસંભાળ કરાશે. કોઈપણ મુલાકાતીને ટીકીટ લઈને દીપડા જોવા માટેની પરમીશન નહિ હોય.

જૂનાગઢ ઝૂની માનવભક્ષી દીપડાની જેલ ફુલ થઈ ગઈ હોવાથી દીપડા જામનગર ખાતે એક વ્યવસ્થાના ભાગરૂપે મોકલાઈ રહ્યા છે.

(12:52 pm IST)