સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

બામણબોર પાસે ટ્રક કાળ બન્યોઃ પત્નિની નજર સામે નવાગામના નારણભાઇનું મોત

ભત્રીજીના લગ્નમાં મેસરીયા જતી વખતે બનાવઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૩૦: બામણબોર નજીક ટ્રકે બાઇકને ઉલાળી દેતાં બંને ફંગોળાઇ ગયા હતાં. જેમાં મુળ વાંકાનેર જીયાણાના હાલ નવાગામ આણંદપર છપ્પનીયા કવાર્ટર શકિત સોસાયટી-૧૨માં રહેતાં નારણભાઇ મેરામભાઇ ગાંગાણી (ઉ.વ.૫૨)નું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ પત્નિ તખુબેનની નજર સામે મોત નિપજ્યું હતું. તખુબેનનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. બંને મેસરીયા ગામે ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા જઇ રહ્યા હતાં ત્યારે આ કરૂણ બનાવ બન્યો હતો.

અકસ્માતની જાણ થતાં કુવાડવાના પીએસઆઇ એચ.આર. હેરભા અને રાઇટર હિતેષભાઇ માલકીયાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. અકસ્માત સર્જી ચાલક ટ્રક મુકીને ભાગી ગયો હોઇ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર નારણભાઇ ખેત મજૂરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પોતે સાળાની દિકરીના લગ્નમાં હાજરી આપવા પત્નિ સાથે જઇ રહ્યા હતાં અને આ બનાવ બન્યો હતો. બાઇકને પાછળથી ટ્રકની ટક્કર લાગ્યા બાદ નારણભાઇ ફંગોળાઇ ગયા હતાં. તેમના પત્નિ દૂર ફેકાઇ ગયા હતાં. નારણભાઇના માથા પર ટ્રકનું વ્હીલ ફરી જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. તસ્વીરો બામણબોરથી બાબુલાલ ડાભીએ મોકલી હતી.

(12:45 pm IST)