સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કેશુભાઇ પટેલની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે મેગા રકતદાન કેમ્પ : શ્રધ્ધાસુમન અર્પણ

વેરાવળ-પ્રભાસ પાટણ,તા. ૩૦: શ્રી હમીરજી ગોહિલ સ્મારક ટ્રસ્ટ અને સોમનાથ નગરના સ્થાનિક નાગરિકો દ્વારા સોમનાથ તીર્થક્ષેત્રના વિકાસના સ્વપ્ન દષ્ટા અને ટ્રસ્ટના ચેરમેન સ્વ. કેશુભાઇ પટેલની પ્રથમ માસીક પુણ્યતીથી નિમીતે તા.ર૯ ને રવિવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

સ્વ. કેશુભાઈ પટેલ ના પુત્ર ભરત પટેલ પણ ખાસ આ કાર્યમાં ઉપસ્થિત રહી પોતે પણ રકતદાન કરી ઉમદા અભિગમ રજૂ કરેલ. સાથે કેશુભાઈ પ્રત્યે લોકો ની લાગણી અને રકતદાન જેવા ઉમદા કાર્ય અંગે કૃતજ્ઞતા વ્યકત કરી હતી.

રકતદાન કેમ્પના આયોજન શ્રી હમીરજી સ્મારક ટ્રસ્ટ ના મહેન્દ્રસિંહ વાળા એ આ કાર્યને સ્વ. કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલી રૂપી ગણાવેલ અને કેશુબાપાના લોક ઉપયોગી કર્યો થકી તેઓ કાયમી લોકો વચ્ચે જીવંત રહશે.

આ કેમ્પમાં એકત્ર થનાર  બ્લડ રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે કોરોના તથા થેલેસેમીયાના દર્દીઓને મળવાથી સ્વ. કેશુભાઇ પટેલને ખરા અર્થમાં શ્રધ્ધાંજલી આપવાનું ગણાશે.સોમનાથ ખાતેના મેગા રકતદાન કેમ્પ માં જિલ્લા ભાજપના પ્રમુખ માનસિંગ પરમાર, પૂર્વ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર, મામલતદાર શ્રી ચંદેગરા, સોમનાથ મંદિર ટ્રસ્ટના દિલીપસિંહ ચાવડા, સુરૂભા જાડેજા, ગીર સોમનાથ જિલ્લા કેટરિંગ એસોસિએશન અને જિલ્લા બ્રહ્મ સામાજના પ્રમુખ મિલનભાઈ જોશી, માજી નગરપતિ કિશોરભાઈ કુહાડા, મામલતદાર સ્વામિનારાયણ ગુરૂકુળ ના સંત, સહિત પ્રભાસપાટણ નગર ના સ્થાનિક આગેવાનો, નગરજનો, નાના વેપારી, ફોટોગ્રાફરો, સહિત સોમનાથ મંદિર ટ્રસ્ટ ના કર્મચારીઓ ઉત્સાહ ભેર જોડાયા હતા. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૦૦ થી વધારે લોકોએ બ્લડ ડોનેશન કર્યું હતું.

(11:32 am IST)