સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

કેશોદ ડીવાયએસપી ઓફીસમાં આંખ ઠરે તેવો સુંદર બગીચો બન્યો

દયા અને પરોપકાર તો અમારા લોહીમાં છે જે.બી.ગઢવી

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા.૩૦ : ડીવાયએસપી ઓફીસનું તાજેતરમાં શહેરથી આશરે ચાર કિલોમીટર દૂર માંગરોળ રોડ ઉપર સ્થળાંતર કરવામાં આવ્યું છે પરંતુ આ ઓફીસ સરકારી ઓફીસ નહિ પરંતુ તેને એક સુંદર બગીચાનો લુક આપવામાં આવ્યો છે.સંભવતઃ ગુજરાત રાજયની આવી આ સૌપ્રથમ ડીવાયએસપી ઓફીસ બની હોય, કેશોદ, વંથલી, માણાવદર અને બાંટવા પોલીસ સ્ટેશન વિસ્તારનું કાર્યક્ષેત્ર ધરાવતી સ્થાનિક નાયબ પોલીસ અધિકારીની કચેરી આજ સુધી શહેરની મધ્યમાં ચારચોક વિસ્તારમાં પોલીસ સ્ટેશનને અડીને જ આવી હતી પરંતુ સ્થાનિક કેશોદના માંગરોળ રોડ ઉપર શહેરથી આશરે ચાર કિમી દૂર મામલતદાર ઓફીસ પાસે ડીવાયએસપીની નવી કચેરી તૈયાર થઇ જતા છેલ્લા પાંચ માસથી આ ઓફીસ ત્યા ફેરવવામાં આવી છે અને ત્યા આ ઓફીસની સંપુર્ણ કામગીરી અત્યારે થઇ રહી છે.

ઓફીસ રાજય સરકારના પ્લાન મુજબ સંપુર્ણ જગ્યામાં બનાવવામાં આવી છે. ઓફીસના બિલ્ડીંગ ફરતી ખુલ્લી જગ્યા, બહાર પાર્કિંગની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા સાથેની બધી જ સગવડતાઓ આપવામાં આવી છે.

ઓફીસ ફરતી ખુલ્લી જમીન અને બહાર મોટા પ્રમાણમાં પાર્કિંગ થઇ શકે તેવી વિશાળ જગ્યા હોવાથી અત્યારના કાર્યરત ડીવાયએસપી જે.બી.ગઢવીએ આ જગ્યાનો વ્યવસ્થિત ઉપયોગ કરી આગામી ૫૦ વર્ષે પણ જે તે સમયના અધિકારી અને અરજદારો યાદ કરે તેવી માત્ર જૂનાગઢ જિલ્લામાં જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં કોઇ પણ પોલીસ ડીવીઝનમાં ડીવાયએસપીની કચેરીના હોય તેવી ઓફીસ સ્થાનિક ઓફીસના સ્ટાફને સાથે રાખી બનાવવાનો નિર્ણય કર્યો હતો.

આ નિર્ણયની અમલવારીના ભાગરૂપે ઓફીસના પ્રવેશ દ્વાર પાસે તેમજ ઓફીસની ફરતે ખાલી રહેલ જગ્યામાં અલગ અલગ પ્રકારના આશરે ૧૦૦ જાતના ફૂલ અને વૃક્ષોનું આ ચોમાસા દરમિયાન વાવેતર કરાવ્યુ હતુ. આ જ રીતે ઓફીસની બહારના બંને તરફનાભાગે ભરતી કરી લેવલ કરી આશરે ૧૦૦ જેટલા અલગ અલગ જાતના વૃક્ષોનું વાવેતર ડીવાયએસપી જે.બી.ગઢવીએ પોતાની અંગત જાત દેખરેખની ફોરેસ્ટ ઓફીસરના માર્ગદર્શન મુજબ કરાવ્યુ હતુ અને બહારના ભાગના આ વૃક્ષોને રખડતા ઢોર કે અન્ય કોઇપણ રીતે નુકશાન ન થાય એ માટે દરેક વૃક્ષ ફરતે ટ્રી ગાર્ડ લગાવ્યાના એક એક ટ્રી ગાર્ડની કિંમત બે હજાર રૂ. છે અને દરેક ટ્રી ગાર્ડ ઉપર કલરકામ કરાતા આખાયે ગ્રાઉન્ડનો દેખાવ સુંદર અને આકર્ષક બની ગયેલ છે.

આ બધા વૃક્ષો ઉપર તાજેતરમાં પુરા થયેલા ચોમાસાનો વરસાદ વરસતા બધા જ વૃક્ષો ઉગી ગયા છે અનેહજુ આવતુ એક ચોમાસુ અર્થાત આવતી દિવાળી સુધી આ બધા વૃક્ષો બરાબર મોટા થઇ જતા વાહન પાર્કિંગ અથવા અરજદારોને બેસવા માટે કયાંયે છાયો શોધવા જવુ નહિ પડે, ચોમાસા પછીના દિવસોમાં પણ આ વૃક્ષોને નિયમિત પાણી મળી રહે અને એકપણ વૃક્ષ અથવાતો ફુલનો છોડ સુકાય ન જાય એ માટે પાણીનો બોરની વ્યવસ્થા કરવામાં આવી છે અને અત્યારે ઓફીસ સ્ટાફ જ આ કામગીરી નિયમીત રીતે બજાવી રહ્યો છે.

ડીવાયએસપી કચેરીની આ વાત આટલે થી જ નથી અટકતી. ઓફીસ કંમાઉન્ડની બહાર અર્થાત ઓફીસના મુખ્ય પ્રવેશ દ્વાર બહાર રખડતી ગાયોને દરરોજ લીલુ ઘાસ નાખવામાં આવે છે અને આવા રખડતા પશુઓ માટે પાણીની પણ કાયમી વ્યવસ્થા કરવામાં આવી છે આવુ બધુ કરનાર ડીવાયએસપી જે.બી.ગઢવીને છેલ્લે પુછયુ કે, અહિયા તમારૂ વતન નથી, તમારી ગમે ત્યારે અહીથી બદલી થઇ શકે અને કોઇ પોલીસ ઓફીસર આવુ ન કરે પછી તમે આટલુ બધુ શા માટે કર્યુ? તો તેણે જવાબમાં માત્ર એટલુ જ કહ્યુ, આખરે હું એક ગઢવીનો પુત્ર છુ, દયા અને પરોપકાર તો અમારા ડીએનએ માં જ હોય, આવા કાર્યો પેઢીઓથી અમારા વડવાઓ કરતા આવ્યા છે અને હું પણ જયા જાઉ ત્યા કાયમી યાદગીરી રહે તેવી કોઇ કામગીરી કરતો જ રહુ છુ. મારી બદલી થશે તો હુ જતો રહીશ પરંતુ આ ઓફીસ અને સામાન્ય જનતા તો સો વરસે પણ અહિંયા જ રહેવાની છે તેના ઉપયોગમાં આ બધુ આવવાનુ જ છે.

(11:24 am IST)