સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

સસ્તા સોનાની લાલચ આપી કાકા - ભત્રીજાને ભુજ બોલાવ્યા : લાખોની ઠગાઇને કારણે કાકાનું આઘાતમાં મોત

ભુજના ચિટરોએ હૈદ્રાબાદના યુવાનને ફેસબુક ફ્રેન્ડ બનાવી ૨૭ લાખની ઠગાઇ કરી : વલીમામદ ચીટરે સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક ઠગાઇ કરી છે : પોલીસે ચીટર ટોળકી સામે હળવી કલમો લગાડી હોવાની ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૦ : ઓનલાઈન નવા મિત્રો બનાવવાની વાત હોય કે ઓન લાઈન શોપિંગમાં સસ્તું ખરીદવાની લાલચ હોય જો ખ્યાલ ન રાખીએ તો બંનેમાં દગો થઈ શકે છે. આ મામલે ભુજ બી-ડિવિઝન પોલીસમાં ભુજના કુખ્યાત ઠગો હાજી વલીમામદ કક્કલ અને અલ્તાફ જત સામે નોંધાયેલ ફરિયાદ મુજબ ચારેક મહિના પહેલા હૈદ્રાબાદના આદર્શ અનિલ જૈનને ઋષભ મહેતા, જૈન ના નામે ફેસબુક ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવાઈ હતી. બાદમાં દુબઈથી સસ્તું સોનુ લાવી ભુજમાં આપવાની લાલચ અપાઈ હતી. આદર્શે પોતાના કાકા ભરતને વાત કરી બંને અડધા અડધા રૂપિયા કાઢી ૨૭ લાખ લઈ સોનુ ખરીદવા ભુજ આવ્યા હતા. અહીં પોતાના કાકા ભરત સાથે ભુજ આવેલા આદર્શ ને સોનાના બિસ્કીટ બતાવી એક કિલો સોનુ ખરીદવું પડશે એવું કહી એક બંગલામાં લઈ જવાયા હતા. ત્યાર બાદ ભુજની ખાનગી હોટેલમાં રૂપિયા ભરેલી બેગ સાથે કાકા ભત્રીજા બંનેને ફોર્ચ્યુનર કારમાં બેસાડી ભુજના રસ્તામાં ફેરવી રૂપિયા ભરેલી બેગ ઝુંટવી ઠગો નાસી છૂટતા બંનેને ઠગાઈ થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો.

ચાર મહિના પહેલા બનેલા આ બનાવ બાદ કાકા ભરત જૈનનું આઘાતમાં મોત નિપજયું હતું. હવે આ મામલે પોલીસ ફરિયાદ કરાઈ છે. જોકે, સૌરાષ્ટ્ર કરછમાં અનેક ઠગાઈ કરનાર વલીમામદ ઉર્ફે વલીયા ચીટર સામે પોલીસે હળવી કલમો લગાડી હોવાની ચર્ચા છે. આ ઠગાઈ બાદ ભરત જૈનનું મોત નિપજયું હોઈ એ અંગે કોઈ કલમ લગાડાઈ નથી. તો, ચીતર ગેંગ રૂપિયા ઝુંટવી લઈને નાસી છૂટી તેમાં લૂંટને બદલે ચીલઝડપનો ગુનો દાખલ કરાયો છે.

(10:58 am IST)