સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

ધોરાજી દરબાર ગઢ પાસેનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંદગીના બિછાને : જર્જરિત બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી શક્યતા : મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલાં આરોગ્ય કેન્દ્ર બદલવું જરૂરી

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી :-  ધોરાજી ના દરબારગઢ પાસે શહેરી આરોગ્યકેન્દ્ર ચાલી રહ્યું છે. જેની ઇમારત રાજાશાહી સમયની અને અત્યંત જર્જરિત હાલતમાં છે. આ ઇમારત માં કોઈ દુર્ઘટના સર્જાઈ કે ઇમારત પડે તો ભારે જાનહાની થાઈ તેવી શકયતા નકારી શકાય નહીં.

દરબારગઢ પાસેનું આ શહેરી આરોગ્યકેન્દ્ર વર્ષોથી આ જર્જરિત બિલ્ડિંગમાં ચાલી રહ્યું છે. જેમાં લોકોને પ્રાથમિક અને આવશ્યક સારવાર અવશ્ય મળી રહે છે. પરંતુ સારવાર માટે દર્દીઓ આરોગ્યકેન્દ્ર માં પ્રવેશતા ભય પણ અનુભવી રહ્યા છે.

 ધોરાજી ના યુવા અગ્રણી અને એડવોકેટ અરવિંદભાઈ કાપડીયા એ જણાવેલકે આ જૂનવાણી સમયના બિલ્ડિંગમાં દીવાલોમાં પોપડા પડ્યા છે. તિરાડો પડી છે. અને બિલ્ડીંગ વપરાશ માટેનુ આયુષ્ય પણ પૂરું થયું હોય તેમ જણાય છે. બિલ્ડીંગ નો ઉપરી માળ અત્યંત ખંઢેર જેવો થઈ ચૂક્યો છે. ઇમલો તૂટી પડે તો મોટી જાનહાની ની સંભાવના રહે છે. આ ઉપરાંત આ શહેરી આરોગ્યકેન્દ્ર શહેરના ગીચ અને ટ્રાફિક થી ધમધમતા રસ્તા પર ચાલી રહ્યું છે. સામેની બાજુ વણિક સમાજની વાડી આવેલી છે. જ્યાં અવાર નવાર પ્રસંગો યોજાતા હોય છે. ત્યારે  આ ઇમારત અત્યંત જોખમી ગણી શકાય.

રાજ્ય સરકાર લોકોને સારી આરોગ્યલક્ષી સુવિધા આપવાની જાહેરાતો કરે છે. પરંતુ શહેરી આરોગ્ય કેન્દ્ર જ માંદગીના બિછાને જણાઈ આવે છે.

બિલ્ડીંગ ની આસપાસ ના રહીશો પણ આ જર્જરિત ઇમારત ને લઈ ભય અનુભવી રહ્યા છે. ત્યારે નગરપાલિકાએ આ ઇમારત નું પરીક્ષણ કરાવી જો ઉપયોગ ને લાયક ન હોય તો જરૂરી કાર્યવાહી કરવી જોઈએ.

આ મામલે બ્લોક હેલ્થ અધિકારી એ જણાવેલકે આ મામલે ઉપરી કચેરીમાં રજુઆત કરાઈ છે. હાલ આ આરોગ્યકેન્દ્ર વૈકલ્પિક વ્યવસ્થાનો ભાગ છે. નવા બિલ્ડીંગ માટે દરખાસ્ત કરવામાં આવી છે.

(4:11 pm IST)