સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

વઢવાણ પંથકમાં ઉભો કપાસનો પાક બાળી દીધો

કપાસના ભાવ ૧૦૩૫ રૂપિયા મણે મળતા ખેડુતોની મજૂરીના નાણાં પર નથી નીકળી રહ્યાઃ હાલ ૫૬થી વધુ જિન બંધ હાલતમાં

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૩૦: આ વર્ષે કપાસના ભાવ વધુ મળશે તે હેતુથી વઢવાણ પંથકના ખેડૂતો દ્વારા ચોમાસાની સિઝન દરમિયાન કપાસનું મબલખ વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે સાર્વત્રિક વરસાદના પગલે આ ઉત્પાદન દ્યટવા પામ્યું છે ત્યારે બીજી તરફ ખેડૂતોને કપાસના પૂરતા ભાવ ન મળતાં વઢવાણ પંથકના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

વઢવાણ પંથકના ખેડૂતોને કપાસના ભાવ જો ઘરેથી વેચે તો ૧૦૩૫ અને જો માર્કેટીંગ યાર્ડોમાં વેચવા જાય તો ૧૦૬૦ જેટલો આપવામાં આવી રહ્યો છે જેમાં ખેડૂતો ના બિયારણ પિયત અને મજૂરી નાણાં પણ નીકળતા નથી ત્યારે વઢવાણ પંથકના કોઠારીયા રોડ ઉપર પોતાનું ખેતર ધરાવનાર ખેડૂત દ્વારા કપાસના પુરતા ભાવો ન મળતા ઉત્પાદન મેળવ્યા વગર જ પોતાના ખેતર માં કપાસ નો ઉભો પાક ને સળગાવી નાંખવામાં આવ્યો છે.

સરકાર સમક્ષ કપાસના ભાવ અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે કપાસ ઉત્પાદનમાં હાલમાં પહેલા વરસાદનો નડ્યો અને હાલ પુરતા ભાવો ન આવવાના કારણે પંથકના ખેડૂતોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે ત્યારે આગામી દિવસોમાં સરકાર દ્વારા  કપાસની ખરીદી કરવામાં આવે તેવી વઢવાણ પંથકના ખેડૂતો માંગ કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લો સમગ્ર વિશ્વમાં કોટન ઉત્પાદનમાં પોતાની અલગ નામના ઊભી કરે છે તે નામના દિનપ્રતિદિન ભૂંસાઈ રહી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે  વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા  જાહેર સભા દરમિયાન સભા સંબોધનથી જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લો કોટન હબ બનશે અને સમગ્ર વિશ્વમાં સુરેન્દ્રનગર જિલ્લો કોટન ક્ષેત્રે પોતાની સારી એવી નામના ઊભી કરી શકશે.

ત્યારે સતત ત્રણ વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને કપાસના ભાવ ન મળવાના કારણે જિલ્લાના ખેડૂતો દ્વારા કપાસનું ઉત્પાદન જ બંધ કરી નાખવામાં આવ્યું છે જેના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો મગફળી તલ જેવા રોકડિયા પાકો ના વાવેતર તરફ વળ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ને ઉત્પાદિત કપાસનો પુરતો ભાવ ન મળવાના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા કપાસનું ઉત્પાદન જ બંધ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના ૫૬ વધુ જીન હાલમાં બંધ હાલતમાં છે.

(12:47 pm IST)