સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

વાંકાનેર જ્ઞાનગંગા સ્કૂલના ૭૫ વિદ્યાર્થીના નિવેદનો લેવાયા : માન્યતા રદ સુધીની કાર્યવાહીના સંકેત

શાળા સંચાલકે ફરજમાં રૂકાવટ કરી હોવાનો પણ ખુલાસો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૩૦: વાંકાનેરની જ્ઞાનગંગા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી શિક્ષણકાર્ય થતું હોય જે ફરિયાદ બાદ શિક્ષણ વિભાગ ટીમે ચેકિંગ કરતા વિદ્યાર્થીઓ શાળાએ અભ્યાસ કરતા હોવાનું સ્પષ્ટ થયું હતું જે દ્યટનામાં શાળાને શો કોઝ નોટીસ ફટકારવામાં આવી છે તો શાળાની માન્યતા રદ સુધીની કાર્યવાહી થઇ સકે છે તેવા સંકેતો પણ શિક્ષણ અધિકારીએ આપ્યા છે.

વાંકાનેરની જ્ઞાનગંગા હાઈસ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ નહિ પરંતુ શાળાએ જ શિક્ષણ અપાશે તેવી જાગૃત વાલીએ ઓડિયો કલીપ સાથે જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકીને ફરિયાદ કરી હતી જેના પગલે બુધવારે શિક્ષણ અધિકારી ટીમ દ્વારા સ્થળ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૧૩૧ વિદ્યાર્થીઓ શાળાએ અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું જેના નિવેદનો નોંધવામાં આવતા ૭૫ વિદ્યાર્થીના નિવેદન નોંધાયા હતા તો શાળા સંચાલક યોગેન્દ્રસિંહ આવી જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નિવેદનો લેવા દીધા ના હોય અને શિક્ષણ અધિકારીની ફરજમાં પણ રૂકાવટ પેદા કરવામાં આવી હતી જેથી કોરોના મહામારીમાં સરકારની ગાઈડલાઈનનો ભંગ કરાયો હોય શાળા સંચાલકને શો કોઝ નોટીસ ફટકારવામાં આવી છે અને દિવસ ૩ માં લેખિત જવાબ રજુ કરવા જણાવ્યું છે.

મોરબી જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકીએ જણાવ્યું હતું કે શાળા ખાતે ચેકિંગ સમયે શાળા સંચાલકે ફરજમાં રૂકાવટ કરી હતી અને કોરોના મહામારીમાં સરકારની ગાઈડલાઈન્સનું ઉલ્લંદ્યન કરવામાં આવ્યું છે જેથી શો કોઝ નોટીસ ફટકારી છે અને જવાબ ના મળ્યે એકતરફી કાર્યવાહી કરવામાં આવશે તો શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી થઇ સકે છે તેવા સંકેત પણ શિક્ષણ અધિકારીએ આપ્યા હતા.

(11:33 am IST)