સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

ભાવનગરમાં સાઢુભાઇનો ત્રાસ-ભાગીદારીમાં અડધો કરોડ ઓળવી જતા સામુહિક આપઘાત કરેલ

દોઢ મહિના પહેલા પુત્ર, પુત્રવધુ અને બે પૌત્રીના આપઘાત પ્રકરણમાં નિવૃત એસ.પી. પિતા નરેન્દ્રસિંહ જાડેજાના ડાયરીના આધારે ફરીયાદ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૩૦ :  ભાવનગરમાં દોઢમાસ પહેલા નિવૃત્ત ડીવાયએસપીનાં પુત્રનાં સામુહિક આત્મહત્યાનાં બનાવ અંગે મૃતકનાં નિવૃત ડીવાયએસપી પિતા નરેન્દ્રસિંહ જાડેજાએ આ બનાવ અંગે મૃતકનાં સાઢુભાઇના ત્રાસથી અને ભાગીદારીમાં અડધા કરોડ જેટલી રકમના ગોટાળા કરી ઓળવી ગયાની પોલીસ ફરીયાદ નોંધાવતા બનાવમાં નવો વળાંક આવ્યો છે.

ભાવનગર શહેરનાં વિજપરાનગર પ્લોટ નં. ૬ર૯માં રહેતા પૃથ્વીરાજસિંહ ઉર્ફે પ્રધ્ુમનસિંહ નરેન્દ્રસિંહ જાડેજા એ ગત તા. ૧૬-૯ના રોજ પોતાના ઘરે પતિ બીનાબા, પુત્રી નંદીનીબા અને યશશ્વીના તેમજ પાળીતો શ્વાનને ગોળી માર્યા બાદ પોતાના લમણે પણ ગોળી ધરબી દઇ સામુહિક આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવમાં પ્રથમ પરિવારની હત્યા કરનાર મૃતક પૃથ્વીરાજસિંહ જાડેજા સામે હત્યા સહિત અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો પરંતુ સુખી-સંપન્ન પરિવારે આત્મહત્યા કરી તેનું મોટુ કારણ હોય તેવી શંકા પ્રથમથી જ હતી.

દરમિયાન મૃતક પૃથ્વીરાજસિંહનાં પિતા અને નિવૃત ડી.વાય.એસ.પી. નરેન્દ્રસિંહ જાડેજા એ ભાવનગરનાં એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પોતાના દિકરા અને પરિવારો મરવા મજબુર કર્યા અંગેની ફરીયાદ નોંધાવી છે. જેમાં દિકરા પૃથ્વીરાજસિંહ જાડેજાના સાઢુભાઇ યુસુભા ઉર્ફે યશવંતસિંહ રઘુભા રાણા, તેની પત્ની મીનાબા રાણા, યશુભાની દિકરી રૂતીકાબા, દિકરો યજ્ઞદિપસિંહ, યસુભાનાં પિતા રઘુભા રાણા અને રઘુભાની પત્નીએ તેના દિકરા સાથે ભાગીદારી પેઢીમાં રૂ. ૪પ,૩૦,૪૮રનાં હિસાબના ગોટાળા કરી દગો કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી આવરી તેમજ અવાર-નવાર પૃથ્વીરાજસિંહના ઘરે જઇ તેમની દીકરીઓને મારમારી અને પરિવારને મારી નાખવાની ધમકી આપી દિકરીની સગાઇ યુસુભાનાં દિકરા સાથે કરાવી અડધી મિલ્કતનું વીલ લખાવી આપવા દબાણ કરી કાવતરૂ રૂપી એક બીજાને મદદગારી કરી હતી.

આ અંગે એ-ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

ડાયરીને આધારે ફરીયાદ નોંધાવી

નિવૃત્ત ડી.વાય.એસ.પી. નરેન્દ્રસિંહ જાડેજાને ભાવનગરના તેમના ઘરેથી એક ડાયરી મળી આવી છે. ૯ પાનાની આ ડાયરીમાં પૃથ્વીરાજસિંહે તેની સાથે સાઢુભાઇ યુસુભાએ કરેલ દગો-છેતરપીંડી સહિતની વિગતો  લખી છે જેમાં આધારે પિતા નરેન્દ્રસિંહ જાડેજાએ પોલીસ ફરીયાદ નોંધાવી હોવાનું જાણવા મળેલ છે.

(11:28 am IST)