સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

કચ્છમાં એસ.ટી. અને જીપ વચ્ચે ટક્કર : ૩ના મોત

રાધનપુરથી ગાંધીધામ જતી એસ.ટી. બસ અને સમખીયાળીથી ગાગોદર પ્રવાસીઓને લઇ જતી જીપ વચ્ચે અકસ્માતમાં પાંચને ઇજા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૩૦ : (ભુજ) રાધનપુરથી ગાંધીધામ આવતી એસ.ટી. બસ અનેસામખીયાળીથી ગાગોદર જતી પ્રવાસી ભરેલી જીપ વચ્ચે પલાંસવા ગામ નજીક નેકશનલ હાઇવે ઉપર ટક્કર સર્જાતા જીવલેણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જીપમાં સવાર પાંચ વર્ષના બાળક સહિત ત્રણ જણાએ પોતાના જીવ ગુમાવ્યા હતાં. મૃતકોના નામ ભવાન દેવાભાઇ દેવીપૂજક (ઉ.વ.૩૦), જશરામ વેલા ભરવાડ (ઉ.વ.૪૦) અને ધવલ રમેશ ભરવાડ (ઉ.વ.પ) છે. જયારે ઘાયલ થયેલા દસ પ્રવાસીઓને ભચાઉ અને રાધનપુર સારવાર માટે ખસેડયા હતાં. અકસ્માતના પગલે હાઇવે ઉપર ટ્રાફીક જામ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ પલાસવાથી ગાગોદર જતા રોડ પર એસ્સાર પંપ નજીક ગોલાઇ ઉપર એસ.ટી. બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગાગોદરથી સામખીયાળી તરફ જતી એસ.ટી. બસ વન-વે હાઇવે પર જતી હતી ત્યારે જ આડેસરથી જઇ રહેલી જીપની ટક્ર થઇ હતી. આ અકસ્માતમાં ભવાન દેવા  દેવીપુજક, જશરામવેલા ભરવાડ અને ધવલ રમેશ ભરવાડનું (ઉ.વ.પ)નું મોત થયું હતું. અકસ્માતમાં પાંચ મુસાફરોને ઓછી વધુ ઇજા થતા સારવાર માટે ખસેડાયા હોવાનું પીએસઆઇ વાય.કે. ગોહિલે જણાવ્યું હતું.

કચ્છથી બહાર જતા હાઇવે પર મોટા વાહનોની ગેરકાયદેસર રીતે પાર્કીંગ હોય કે પછી વાહનો બંધ થયા બાદ નિયમ મુજબ તેને દૂર ન ખસેડવા મુદ્દે ભૂતકાળમાં અનેક અકસ્માતો થયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આ અકસ્માતમાં પણ એક સાઇડ કામ ચાલુ હોવા છતાં ડાઇવર્ઝનનું કોઇ બોર્ડ લગાવાયું ન હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં હાઇવે ઓથોરીટીની બેદરકારી પણ કયાક અકસ્માત માટે કારણભૂત હોવાનું અનુમાન છે.  અકસ્માત અંગે ફરીયાદ નોંધવા સાથે હાઇવે ઓથોરીટી સામે પણ કાર્યવાહી માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ મંથન કરી રહ્યા છે. જો યોગ્ય કામગીરી હાઇવે ઓથોરીટી દ્વારા નહીં કરાઇ હોય તો પોલીસ તેમની સામે પણ ફરીયાદ નોંધી શકે છે.

(11:09 am IST)