ભચાઉની ૭ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરનાર માળીયાથી ઝડપાયો
બે દિ' પહેલા ગુમ થયેલ બાળકીની મળેલી લાશના પીએમ રિપોર્ટમાં દુષ્કર્મ થયું હોવાનું ખુલ્યું
(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૩૦ : ભચાઉના લખાપર ગામે બે દિવસ પહેલાં ગુમ થયેલ ૭ વર્ષની બાળકીની મળેલી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલી લાશ બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં ચોકાવનારી વિગતો ખુલ્લી છે. ખુદ પૂર્વ કચ્છ ડીએસપી મયુર પાટીલ આ બાળકીની તપાસમાં જોડાયા હતા અને અલગ અલગ પોલીસ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. દરમ્યાન સામખીયાળી પીએસઆઈ વી.જી. લાંબરીયાને મળેલ બાતમી સંદર્ભે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં બાળકીનું અપહરણ કરી તેની ઉપર દુષ્કર્મ આચરનાર આરોપી લખાપર ગામનો જ હોવાનું ખુલ્યું હતું. પણ, પોલીસે ગુપચુપ તપાસ હાથ ધરીને આરોપીના સગડ દબાવતાં આરોપી માળીયાના હરિપર ગામે છુપાયો હોવાનું ખુલ્યું હતું. પોલીસે હરિપરથી આરોપી વિજય પ્રતાપ કોળીની ધરપકડ કરી છે. ૨૨ વર્ષીય વિજયે કબુલ્યું છે કે, પોતે દુષ્કર્મના ઈરાદે માસુમ બાળકીનું અપહરણ કર્યું હતું.
આરોપી વિજયના દુષ્કૃત્ય સામે ભચાઉ પંથકમાં ફીટકાર વરસી રહ્યો છે. આરોપીને ઝડપવામાં પૂર્વ કચ્છ એસઓજી પીઆઈ વી.પી. જાડેજા, પીએસઆઈ બી.જે. જોષી, એલસીબી પીઆઈ સુમિત દેસાઈ અને અન્ય પોલીસ ટીમ જોડાઈ હતી.