સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th July 2021

કચ્છના મુન્દ્રા પોર્ટ ઉપર ૨૦ કરોડનો ઇલેક્ટ્રોનિક સામાન અને ૨૪ કરોડનું ડીઝલ, કેરોસીન જપ્ત કરી કસ્ટમ દ્વારા તપાસનો ધમધમાટ

વેરાવળની વિહાન એન્ટરપ્રાઈઝ, પોરબંદરની કિસ્મત એન્ટરપ્રાઈઝ સામે ડીઝલ, કેરોસીન અને દિલ્હીની ઈમ્પેકસ ટ્રેડિંગ ક. અને ક્રિએટિવ એસેસરીઝ સામે ઇલેક્ટ્રો. સામાન અંગે તપાસ

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) કેન્દ્ર સરકાર દ્વારા આયાત અંગે અપાતી છૂટછાટ નો ગેરલાભ લઈ ભળતી ચીજ વસ્તુઓ મંગાવી કસ્ટમ ડ્યુટી ની ચોરી કરી કરોડો રૂપિયાનો ગફલો કરવાના ચાલતા વ્હાઈટ કોલર દાણચોરીના ધંધાઓ ફૂલ્યા ફાલ્યા છે. જોકે, સમયાંતરે ડીઆરઆઈ અને કસ્ટમ તંત્ર દ્વારા આવા કિસ્સાઓ ઝડપાતા રહે છે. મુન્દ્રા પોર્ટ ઉપર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ના નામે મંગાવાયેલ ડીઝલ કેરોસીન નો ૨૪ કરોડ નો અને પ્લાસ્ટિકની પટ્ટીના નામે માંગાવાયેલ મોબાઈલ એસિઝરીઝ સાથે ઇલેક્ટ્રોનિક સામાનનો ૨૦ કરોડનો જથ્થો જપ્ત કરાયો છે. મળતી માહિતી મુજબ પેટ્રોલિયમ પ્રોડક્ટ બેઝ ઓઇલ અને મિક્સ હાઈડ્રોકાર્બન ઓઇલ દર્શાવી ડીઝલ અને કેરોસીન મંગાવી કસ્ટમ ડ્યુટી ચોરી કરાઈ રહી છે.

      મુન્દ્રા પોર્ટ મધ્યે કસ્ટમ વિભાગે વેરાવળ ની વિહાન એન્ટરપ્રાઇઝ દ્વારા દુબઈ થી હાઈડ્રોકાર્બન ઓઇલના નામે મંગવાયેલ ૨૫૫ મે.ટન અને પોરબંદરની કિસ્મત એન્ટરપ્રાઈઝે મંગાવેલ ૩૮૫ મે.ટન પેટ્રોલિયમ પ્રોડક્ટ નો જથ્થો જપ્ત કર્યો છે. મુન્દ્રાના ડે. કસ્ટમ કમિશ્નર અનોપસિંહના માર્ગદર્શન હેઠળ ઓપરેશન આસી. કમિશ્નર રણજીત ગામીત અને પ્રિવેન્ટિવ ઓફિસર વિકાસકુમારે હાથ ધરેલી તપાસમાં આ કંપનીઓના આયાતી માલના સેમ્પલ કંડલા કસ્ટમ લેબો.માં મોકલતા આ જથ્થો ડીઝલ અને કેરોસીનનો હોવાનું જણાયું છે. પ્રતિ લીટર ઉપર ૨૮ રૂ. ખરીદ કિંમત દર્શાવાઈ છે.

         જ્યારે ડીઝલ ઉપર ૨૩.૪૯ ટકા કસ્ટમ ડ્યુટી છે. મિસ ડેકલેરેશન એટલે કે ઓછી કસ્ટમ ડ્યુટી વાળી વસ્તુ મંગાવી તેને બદલે અન્ય ભળતી વસ્તુ મંગાવી લઈ કસ્ટમ ડ્યુટી ની ચોરી કરી આયાત નિકાસના ધંધા મારફતે વ્હાઈટ કોલર દાણચોરી કરાય છે. અન્ય કિસ્સામાં મુન્દ્રા કસ્ટમ ના અધિકારી ટી.વી. રવિ દ્વારા ચાઇનાથી દિલ્હીની ઈમ્પેક્સ ટ્રેડિંગ ક. અને ક્રિએટિવ એસેસરીઝે મંગાવેલા ૮ કન્ટેનર જપ્ત કરાયા છે. દિલ્હીના આ આયાતકારો એ પ્લાસ્ટિકની પટ્ટી કહી ૨ રૂપિયા ની કિંમત દર્શાવી મંગાવેલા સામાનમાં ૨૦ કરોડનો ઇલેક્ટ્રોનિક માલ હોવાનું જણાતા આ જથ્થો જપ્ત કરાયો છે. દિલ્હી ની કંપનીઓ ના બે કન્ટેનર પોર્ટ ઉપરથી જ્યારે બહાર નીકળી ગયેલા ૬ કન્ટેનર રસ્તા ઉપરથી ઝડપી કાર્યવાહી કરાઈ હતી. સરકાર દ્વારા જીએસટી , વે બિલ અને અન્ય કડક કાયદાઓ કરાયા બાદ પણ આ રીતે ગોરખધંધો થઈ રહ્યો છે. દિલ્હીની કંપનીઓ ના તો એડ્રેસ ઉપર ઓફિસ ને બદલે ખેતર હોવાનું તેમ જ આધારકાર્ડ, બેંક એકાઉન્ટ પણ ભળતા હોવાનું ખુલ્યું છે.

(10:13 am IST)