સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

પોરબંદરમાં અન્‍ય બગીચાઓની સરખામણીમાં રાણીબાગના વિકાસમા પાલિકા તંત્ર ઉદાસીન

પોરબંદર, તા૩૦: નગરપાલિકાના તંત્રએ બાગબગીચાની સુવિધા વિકાસ  વધારવામાં ભેદભાવ કરી રહી છે.

શહેરના બાગબગીચાઓના વિકાસ માટે નગરપાલિકાના તંત્રે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે જેમાં પણ ભેદભાવને () નગરપાલિકાના તંત્રએ શહેર મધ્‍યે આવેલા કમલાબાગ અને મહિલાઓ માટેના અનામત બાગ રૂપાળીબાગના વિકાસ માટે તથા તેની સુવિધા વધારવા માટે કરોડો રૂપિયા અત્‍યાર સુધીમાં ફાળવ્‍યા છે. પરંતુ કમનસીબી એ છે કે શહેર મધ્‍યે આવેલા રાણીબાગના વિકાસ માટે તંત્રએ ક્‍યારેય દરકાર લીધી નથી તેથી ત્‍યાં અનેક સુવિધાઓ જોવા મળી રહી છે તેમ કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ જિલ્લા વહીવટી તંત્રને કરેલી ફરિયાદમાં જણાવ્‍યું છે.

રૂપાળીબાગ અને કમલાબાગમાં કરોડો રૂપિયાના ખર્ચે બાળમનોરંજનના સાધનો પાણીની સુવિધા, બેઠક વ્‍યવસ્‍થા. લાઇટની સુવિધા, જાતજાતના વૃક્ષોનું વાવેતર વગેરે જેવી સુવિધાઓને લીધે અહીંયા માત્ર સ્‍થાનિક પ્રવાસીઓ જ નહીં પરંતુ બહારથી પર્યટકો પણ ફરવા માટે ઉમટી પડે છે પરંતુ નગરપાલિકાના તંત્રના રાણીબાગના વિકાસ માટે રકમ ફાળવતા નથી.

રાણીબાગ એ મુખ્‍ય બજારની નજીક આવેલો બગીચો હોવાથી અહીં બજારમાં ખરીદી કરવા આવતા ગ્રામ્‍યપંથકના લોકો રાણીબાગમાં બપોરે વિસામો લેવા માટે તો આવે છે પરંતુ તેઓને પાયાની સુવિધા પણ ઉપલબ્‍ધ થતી નથી ખરીદી કરવા આવતા લોકો વૃક્ષના છાંયડે આરામ કરતા જોવા મળે છે પરંતુ અહીં બેઠક વ્‍યવસ્‍થા નહીં હોવાને કારણે તેઓ નીચે ઘાસ ઉપર સુતા હોય તેવા દ્રશ્‍યો નજરે ચડે છે સ્‍વાભાવિક રીતે જ પીવાના પાણીની પણ અનેક અસુવિધાઓ હોવાને કારણે પ્રવાસીઓને તરસ્‍યા રહેવું પડે છે પાણી નું પરબ છે તેની પણ વ્‍યવસ્‍થિત સાફ સફાઈ થતી નથી તેથી ગંદુ અને વાસ મારતું પાણી પરબમાં જોવા મળી રહ્યું છે.

(9:54 am IST)