સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

મોરબીમાંથી ઝડપાયું કન્ટેનર ચોરી કૌભાંડ: કચ્છના મુન્દ્રામાં સરકારી કન્ટેનર કંપની કોન્કોરના ૨૦ કન્ટેનર ચોરી ભંગારમાં વેચવાનું ષડયંત્ર

મોરબી એલસીબી પોલીસે કર્યો પર્દાફાશ, મોરબીના ૪ અને કચ્છના ૨ સહિત ૬ સામે ગુનો નોંધ્યો, ૪ ની ધરપકડ, ૨ ફરાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦

મોરબી એલસીબીએ કન્ટેઈનર કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (કોન્કોર)ના કન્ટેઈનરનું કટિંગ કરી ભંગારના ભાવે વેચી મારવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યાં બાદ સરકારી સાહસે ૫૦ લાખની કિંમતના ૨૦ કન્ટેઈનર ચોરાયાં હોવાની ફરિયાદ નોંધાવી છે.

ત્રણ દિવસ પૂર્વે મોરબી એલસીબીએ શહેરના અમરેલી રોડ બાવળની ઝાડીઓની ઓથે ખુલ્લાં મેદાનમાં ગેસ કટરથી કન્ટેઈનરનું કટિંગ કરી રહેલાં ચાર યુવકોને ઝડપી પૂછતાછ કરી હતી. સ્થળ પરથી પોલીસે ચાર કન્ટેઈનર અને અન્ય છ કન્ટેઈનરનો ભંગાર કબ્જે કર્યો હતો. મોરબીના ચાર આરોપીઓ નકુલ કરસન મંદરિયા, મહેન્દ્ર ભરત સોલંકી, રવિ વિનોદ પંસારા, ફિરોઝ રહીમ મમાણીની પૂછતાછમાં ઘટસ્ફોટ થયો હતો કે આ કન્ટેઈનર મુંદરાથી ચોરાયેલાં છે. સમગ્ર કાંડના મુખ્ય સૂત્રધારો કચ્છના ભવ્યરાજસિંહ ઊર્ફે ભાવુભા તુગાજી જાડેજા (રહે. ગોયરસમા, મુંદરા) તેમજ અબડાસાના વાંકુ ગામના મહાવીરસિંહ ઊર્ફે ભાણુભા બળવંતસિંહ જાડેજા હોવાનું બહાર આવ્યું હતું. આ કન્ટેઈનરો કોન્કોરના હોઈ મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચની એક ટૂકડી મુંદરા ખાતે આવી હતી. મુંદરાના ગોયરસમા ખાતે કોન્કોરના સીએફએસ અને રેલવે યાર્ડમાં તપાસ કરાવાતાં કુલ ૨૦ ખાલી કન્ટેઈનર ગાયબ હોવાનું સ્પષ્ટ થયું હતું. કોન્કોર કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન (સીએફએસ)ના સ્થાનિક ટર્મિનલ મેનેજર અનિલ સૂર્યકાન્ત ઠાકુરે જણાવ્યું કે કોન્કોર હસ્તકના કન્ટેઈનરના લોડિંગ અને અનલોડિંગ માટે મહારાષ્ટ્રની એક્વિસ મરીન સર્વિસ નામની પેઢીને કોન્ટ્રાક્ટ અપાયો છે. આ પેઢીના સ્થાનિક સર્વેયર ભવ્યરાજસિંહે ૧૨ જૂનથી ૨૪ જૂલાઈ દરમિયાન કોઈ જ ગેટ પાસ રજૂ કર્યાં વગર ૨૦ ખાલી કન્ટેઈનર બહાર કઢાવ્યાં હતા. સિક્યોરીટી સ્ટાફે ગેટ પાસ માગ્યો ત્યારે અંગ્રેજીમાં લખેલો ખોટો પત્ર રજૂ કરી ‘આ કન્ટેઈનર અરજન્ટમાં મોકલવાનાં છે, પાછળથી ગેટ પાસ રજૂ કરી દઈશ' તેમ કહી કન્ટેઈનર બહાર કઢાવ્યાં હતા. અનિલ ઠાકુરે ભવ્યરાજ વિરુધ્ધ મુંદરા મરીન પોલીસ મથકે છેતરપિંડી, વિશ્વાસઘાત તેમજ ફોર્જરીની કલમો તળે ગુનો નોંધાવ્યો છે.

મોરબી પોલીસે ૨૦ ખાલી કન્ટેઈનરમાંથી ૧૧ કન્ટેઈનરનો મુદ્દામાલ મોરબીથી કબ્જે કર્યો છે. અન્ય ૯ કન્ટેઈનર અંજારના ભંગારાવાડે કટિંગ થયાં હોવાનું ખુલ્યું છે. ભવ્યરાજ અને તેના સાગરીત મહાવીરસિંહ વિરુધ્ધ મોરબીમાં ગુનો નોંધાયો છે. બેઉ હાલ ફરાર છે. અત્યારે મુન્દ્રા મરીન પોલીસ બન્ને આરોપીઓની શોધખોળ કરી રહી છે.

(9:43 am IST)