સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th June 2022

ભાવનગરના ઉંચા કોટડા ખાતે ચામુંડા માતાના મંદિરમાં બાળકીને તરછોડીને દંપત્તિ પલાયન

વડલાની ડાળે ખોયામાં 3 માસની બાળકી મળી: બાળકીના માતા-પિતાની શોધખોળ

ભાવનગરના ઉંચા કોટડામાં ચામુંડા માતાના મંદિરમાં બાળકીને તરછોડીને દંપત્તિ પલાયન થઇ ગયું હતું. ત્યારબાદ આ ફૂલ જેવી બાળકી અંગે લોકોને જાણ થતા તાત્કાલિક બાળકીના માતા-પિતાની શોધખોળ હાથ ધરી હતી. જોકે બાળકીના માતા પિતાના આ શરમજનક કૃત્યને લઈને ઉપસ્થિત લોકોમાં ફિટકાર વર્ષી રહ્યો હતો. ઉપસ્થિતોમાં ચર્ચા જાગી હતી કે એવી તે શુ આ દયાહિન દંપતીને મજબૂરી બની કે બાળકીને પોતાની મમતાના પાલવમાંથી હડસેલી દેવી પડી હતી.

ઉંચા કોટડામાં મંદિરના ભોજનાલયની બાજુમાં વડલાની ડાળે એક ખોયામાં 3 માસની બાળકી મળી આવી હતી. આ 3 માસની દીકરી સુવડાવીને તેના નિર્દય માતા-પિતા જતા આ અંગે લોકોએ તપાસ હાથ ધરી હતી. જોકે માતા પિતાનો ક્યાંય પત્તો ન લાગતાં અંતે લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જેને લઇને પોલીસ સ્ટાફ તાત્કાલીક બનાવસ્થળે દોડી ગયો હતો. જ્યાં બાળકીના વાલીની તપાસ આરંભી છે. 

બે માસ અગાઉ આવો જ એક કિસ્સો મોરબી જિલ્લામાં સામે આવ્યો હતો જેમાં વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામની શેરીમાં કોઇ જનેતા તાજી જન્મેલી બાળકીને તરછોડી ચાલી ગઈ હતી. આ અંગે વિસ્તારવાસીઓને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી પોલીસે દોડી જઇ બાળકીને વાંકાનેર સિવિલમાં ખસેડી બાદ વધુ સારવાર આથે રાજકોટ રીફર કરવામાં આવી હતી. બાળકીના માતા પિતાની શોધખોળ આરંભી હતી.

(1:00 am IST)