સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

ભુજ પાલિકાના કર્મચારીઓની વીજળીક હડતાળઃ ચીફ ઓફિસર સામે દરખાસ્ત પસાર થતાં વિરોધ

તમામ કર્મચારીઓ સામૂહિક ધોરણે માસ સીએલ લઈ વીજળીક હડતાળ પર ઉતરી ગયાં

ભુજઃ ભાજપ શાસિત ભુજ નગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં ચીફ ઑફિસર નીતિન બોડાત વિરુધ્ધ સત્તાપક્ષના કાઊન્સિલરો-પ્રમુખે ઠપકા દરખાસ્ત પસાર કરતાં પાલિકાના તમામ કર્મચારીઓ માસ સીએલ લઈ વીજળીક હડતાળ પર ઉતરી ગયાં છે. સામાન્ય સભામાં ભારે હંગામા વચ્ચે વિપક્ષ કોંગ્રેસે ચીફ ઑફિસરના બચાવમાં ઉતરી સામાન્ય સભા પૂર્ણ કરીને જઈ રહેલાં પાલિકા પ્રમુખનો ઘેરો ઘાલ્યો હતો.

 ચીફ ઑફિસર સામે ઠપકા ઠરાવ પસાર થતાં નગરપાલિકાના તમામ કર્મચારીઓ સામૂહિક ધોરણે માસ સીએલ લઈ વીજળીક હડતાળ પર ઉતરી ગયાં છે. બીજી તરફ, વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સત્તાપક્ષે આચરેલાં ભ્રષ્ટાચારના શરણે ના થવા બદલ ચીફ ઑફિસર સામે બદલાના ભાવથી આ ઠરાવ પર પ્રમુખે સહી કરી છે. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, થોડાંક માસ અગાઉ યોજાયેલાં ભુજ કાર્નિવલ વખતે ચીફ ઑફિસરે સંસ્થાઓ પાસેથી ઉઘરાવાઈ રહેલાં ડોનેશન સંદર્ભે પાલિકાનું ખાસ બેન્ક એકાઉન્ટ ખોલાવી તેમાં નાણાં જમા કરાવવા સૂચના આપી હતી. પરંતુ, પ્રમુખ અને કારોબારી ચેરમેને સંસ્થાઓના ડોનેશનમાંથી બારોબાર કાર્નિવલનું આયોજન કર્યું હતું. હવે કાર્નિવલના આયોજનમાં ખૂટતાં 8 લાખનો ખર્ચો નગરપાલિકાના માથે ઉધારવામાં આવ્યો છે.

 ચીફ ઑફિસરે પાલિકાની તીજોરીમાંથી આ નાણાં કાઢવા નનૈયો ભણી દીધો હોઈ પ્રમુખે પણ તેમના પર દબાણ વધારવા ઠપકા દરખાસ્ત પર સહી કરી છે. કોંગ્રેસે ભુજ નગરપાલિકાની નવી ઈમારત ઘરમેળે 3 કરોડમાં બનાવવાના બદલે પીપીપી મોડ પર બનાવવા, 14 લાખના ખર્ચે હાથ ધરાયેલી નાળા સફાઈ અને 8 લાખના ખર્ચે દેશલસર તળાવમાં જળકુંભી વેલને દૂર કરવા અપાયેલાં કોન્ટ્રાક્ટમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આરોપ કર્યો છે.

 

(2:32 pm IST)