સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

જેતપુરમાં પ્રબુધ્ધ નાગરિકોએ માનવ સાંકળ બનાવી ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કર્યો

નવાગઢ,તા.૩૦: જેતપુર શહેરના પ્રબુદ્ઘ નાગરિકો દ્વારા ચાઈનીઝ બહિષ્કાર સમિતિના માધ્યમથી આજે ચાઈના બનાવટની વસ્તુઓના ઉપયોગ,ખરીદી અને વહેંચાણના વિરોધમાં માનવ સાંકળ બનાવી સાથે વિરોધ ના પોસ્ટર તથા રાષ્ટ્ર ધ્વજ સાથે રાખીને દરેક વેપારીઓ જોડાયેલ હતા.

અત્યારના કોરોનાની મહામારીના સમયમાં જે રીતે ચીન દ્વારા ભારત સાથે વિશ્વાસ ઘાત કરીને એલ એ સી ઉપર ગલવાન વેલી માં ભારતના સૈનિકોને દગો આપીને હુમલો કર્યો ,તેથી આપણા દેશના શહીદોને સાચી શ્રધ્ધાનજંલિના સ્વરૂપે જેતપુર શહેરના અલગ અલગ શાક માર્કેટ,એમ.જી. રોડ,મતવા શેરી ,કણકીયા પ્લોટ, એ.પી.એમ.સી.,સરદાર ચોક,તીનબતી ચોક,સ્ટેન્ડ ચોક એવી તમામ જાહેર જગ્યા ઉપર વેપારીઓ અને જેતપુર ના નાગરિકો દ્રારા સ્વયંભૂ વિરોધ ના પોસ્ટર લઇ ને એક માનવ સાંકળ જેવું રચીને તમામ લોકો જોડાયેલા હતા.

આ સમિતિના મુખ્ય સંચાલનકર્તા પ્રશાંતભાઈ કોરાટ અને  યોગેશભાઈ નાયડુએ જણાવેલ કે આ સમિતિમાં દરેક એશોશીયેશન,તમામ નાના મોટા વેપારીઓ અને પ્રબુદ્ઘ નાગરિકો જોડાયેલ છે.તેમજ આગામી દિવસોમાં ચાઈનીઝ વસ્તુના બહિષ્કાર સમિતિ દ્વારા વધુ જન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે.

યુવાનોને અપીલ કરવામાં આવશે કે પોતાના મોબાઈલમાંથી ચાઈનીઝ એપ્લિકેશન કાઢી નાખી અને પોતાનો સમય સારી પ્રવૃતિમાં ઉપયોગ કરે અને બેનર અભિયાન, સ્ટીકર અભિયાન - પ્રબુદ્ઘ ગોષ્ઠિ દ્વારા જેતપુરમાં ચાઈનીઝ વસ્તુ સમાજના વેપારીઓ, બુદ્ઘિજીવીઓ ખરીદતા અને વહેંચતા બંધ થાય અને જેતપુર ચાઈનીઝ વસ્તુ મુકત થાય તેવી યોજના પણ કરવામા આવશે.

જેતપુરમાં સ્વયંભૂ એક દેશ દાઝની લાગણી સાથે રાષ્ટ્ર ભકિતના ગીતો સાથે લોકો એ એક પોસ્ટર લઈને ચાઈનીઝ વસ્તુ નો વિરોધ કર્યા અને સંકલ્પ કરેલ છે કે તેઓ હવે ભારતીય બનાવટ ની સ્વદેશી વસ્તુ ઓ અપનાવશે.

(12:51 pm IST)