સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

મહારાષ્ટ્રથી ખંભાળીયા આવેલા પ્રૌઢને કોરોના

આહિર સિંહણ ગામમાં પરિવાર સાથે આવ્યા'તા : સારવારમાં ખસેડાયા

ખંભાળીયા તા. ૩૦ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત રાત્રીના મહારાષ્ટ્રના થાણાથી ૧૭ સભ્યોને સતવારા પરિવાર થાણાની ખંભાળીયા આવતા ૯ વર્ષની બાળકી તથા ૪૦ વર્ષની મહિલા સહિત બે પોઝિટિવ નીકળ્યા હતા જે પછી મહારાષ્ટ્રથી આવનાર વધુ એક પ્રૌઢ કોરોના પોઝીટીવ નીકળ્યો છે.

ખંભાળીયાના આહિર સિંહણ ગામમાં રહેતા ડાડુભાઇ હમીરભાઇ ચાવડા (ઉ.૬૨) વાળા તેમની પત્ની તથા પુત્ર સાથે અંગત કારમાં ગઇકાલ તા. ૨૮-૬-૨૦ના રોજ સવારે ખંભાળીયા આવેલા તથા સરકારી નિયમ મુજબ આહિર સિંહણ ગામની પ્રાથમિક શાળામાં સરકારી કોરોન્ટાઇન થયા હતા.

ડાડુભાઇને ઉધરસ તથા શ્વાસ લેવાની તકલીફ થતી હોય તેમનું મેડીકલ ચેકીંગ કરીને નમૂનો ટેસ્ટીંગમાં મોકલતા રાત્રે પોઝીટીવ નીકળતા તેમને ખંભાળીયાની સરકારી હોસ્પિટલના સ્પે. કોરોના વોર્ડમાં દાખલ કરાયા છે.

દેવભૂમિ દ્વારકા આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ ડી.એચ.ઓ. શ્રી સુતરીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કુલ ૨૪ કેસો જિલ્લામાં નોંધાયા છે. જેમાં એક મૃત્યુ થયું છે. જ્યારે ૧૫ને છૂટા કરાયા છે તથા જામનગરની જીજી હોસ્પિટલમાં ચાર તથા ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં પણ ચાર કેસો હાલ દાખલ છે. હાલ જે આઠ દર્દીઓ એડમીટ છે. જામનગર અને ખંભાળીયા તેમાં ૭ની સ્થિતિ સ્થિર છે અને એકને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે.

ખંભાળીયામાં હરીશભાઇ જોશી નામના કોરોના પોઝીટીવ દર્દીને કારણે તાલુકા શાળા નં. ૪ પાસે ૨૮ દિવસ માટે કન્ટેન્ટમેન્ટ ઝોન શરૂ કરાયેલો. આ વ્યકિતનું મોત નિપજ્યું હોય આ વિસ્તારના આગેવાનો તથા રહેવાસીઓએ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરીને આ રસ્તાને ખોલવા માંગ કરી છે. આ રસ્તો બંધ હોવાને કારણે ૩૦૦થી વધુ કુટુંબોને ફરીને જવું પડતું હોય પગપાળા કે નાના વાહનો માટે થોડો રસ્તો ખોલવાની માંગ કરાઇ છે

(12:43 pm IST)