સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

અષાઢી માહોલ જામ્યોઃ મેંદરડામાં-૨, ધ્રોલ-માળીયાહાટીનામાં દોઢ, માંગરોળ-કોટડાસાંગાણી-લાઠી-લીલીયા-જાયવામાં ૧ ઈંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, જામનગર જિલ્લામાં મેઘરાજાનું આગમનઃ કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસ્યોઃ કચ્છ કોરો

રાજકોટ, તા. ૩૦ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અષાઢી માહોલ સાથે વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે. સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, રાજકોટ જિલ્લામાં કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસ્યો છે.

જૂનાગઢના પ્રતિનિધિ વિનુ જોશીના અહેવાલમાં જણાવાયુ છે કે, આજે સવારથી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે માળીયાહાટીનામાં દોઢ ઈંચ તથા માંગરોળ, વંથલી, વિસાવદર, કેશોદ, જૂનાગઢ અને ભેંસાણમાં હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા છે.

અમરેલી જિલ્લાના લાઠી, લીલીયામાં ૧ ઈંચ તથા અમરેલી, ધારી, બગસરા, બાબરા, વડીયામાં હળવા-ભારે ઝાપટારૂપે વરસાદી વરસ્યો છે.

જ્યારે બોટાદ જિલ્લાના બોટાદ, ગઢડા, બરવાળા અને રાણપુરમાં પણ હળવો-ભારે વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના રાજકોટ શહેરમાં આજે કાળાડિબાંગ વાદળા સાથે મેઘરાજા તૂટી પડયા હતા. જો કે થોડીવારમા મેઘરાજા વિરામ લઈ લેતા હતા અને થોડીવારમાં ધોધમાર વરસાદ વરસતો હતો.

આ ઉપરાંત કોટડાસાંગાણીમાં ૧ ઈંચ, રાજકોટમાં અડધો ઈંચ અને પડધરીમાં હળવા-ભારે ઝાપટા રૂપે વરસાદ પડયો હતો.

જામનગર જિલ્લાના ધ્રોલમાં પણ દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ધ્રોલ નજીકના જાયવામાં ૧ ઈંચ વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઈ ગયુ હતું. જોડીયામાં ઝાપટારૂપે ૮ મી.મી. વરસાદ વરસ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા.

ભાવનગર જિલ્લાના ભાવનગર શહેરમાં અડધો ઈંચ, ઘોઘામાં પોણો ઈંચ અને ગારીયાધાર તથા વલ્લભીપુરમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા.

આજે કચ્છ જિલ્લો કોરો રહ્યો છે. જ્યાં સવારથી કોઈપણ જગ્યાએ વરસાદ પડયો નથી.

(12:42 pm IST)