સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

મને ખરીદી શકે તેવી હજુ કોઇ નોટો બની નથી!!

મોરબી જીલ્લા ભાજપ દ્વારા બ્રિજેશ મેરજાને આવકારતો કાર્યક્રમ

મોરબી તા. ૩૦: કોંગ્રેસ છોડી કેશરીયો ખેસ ધારણ કરી વિધિવત રીતે પ્રદેશ ભાજપ મોવડીઓની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કરનાર બ્રિજેશભાઇ મેરજાને સત્કારવા, આવકારવા મોરબી ખાતે પણ જીલ્લા ભાજપ દ્વારા સાદાઇથી કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં શહીદોને શ્રદ્ધાંજલી આપ્યા બાદ સ્વાગત પ્રવચન કરતા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ મેરજાને પક્ષમાં આવકાર્યા હતા અને ઉપસ્થિત તમામ જીલ્લા તાલુકાના ભાજપ હોદેદારો-કાર્યકરોને આવનારી ચુંટણીઓ માટે સજજ થઇ, ખભેખભા મિલાવી કામે લાગી જવા હાકલ કરી હતી.

પુર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ મોહનભાઇ કુંડારીયાએ મેરજાને આવકારવા સાથે દેશલેવલે પ્રવતર્તી કોરોના અને ચીનની અવળચંડાઇ સામે ભારત સરકાર અને નરેન્દ્રભાઇએ લીધેલ પગલાની પ્રસંશા કરવા સાથે આવનારી ચુંટણીઓમાં કમળ ખીલવવા હરહંમેશા મહેનત કરતા કાર્યકરોને ફરી તૈયાર થઇ જવા આહવાન કર્યું હતું અને ૧૯૮પ થી આજથી દિન સુધી પોતે આઠ-આઠ ચુંટણીઓ જીત્યા, કદિ હાર્યા નથી તેનો યશ પણ કાર્યકરો-આગેવાનોના ફાળે જતો હોવાનું જણાવ્યું હતું.

પૂર્વ મંત્રી જયંતિભાઇ કવાડીયા, ધારાસભ્ય પરષોતમ સાબરીયા, મહામંત્રી હિરેનભાઇ પારેખે પોતાના પ્રવચનમાં મેરજાને આવકારવા સાથે ભાજપની ઉપલબ્ધિઓ વર્ણવી હતી.

કાર્યક્રમનો પ્રતિભાવ આપતાં બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, આ તકે હું મારા પરિવારની હુંફ અને પરિવારના આવકારથી ગદ્ગદ્દ થઇ ગયો છું. તેમણે ટાંકયું હતું કે, સુબહકા ભુલા અગર સામકો લોટ આયે, ઉસે ભૂલા ના કહો, અપની હૈ યેહી રાયે'' કહે તેમણે પાછા ભાજપમાં ફરીને પોતાની ભૂલ સુધારી લીધીનું જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે જેમ દુધમાં સાકર ભળે તેમ હું આ ભાજપ પરિવારમાં ભળી જઇશે. પોતાની સામે ચાલતા દુષ્પ્રચારનું ખંડન કરવા તેમણે તાતા તીર છોડતા એ પણ જણાવી દીધું હતું કે હજુ સુધી રિઝર્વ બેંકમાં એવી કોઇ નોટો નથી બની જે મેરજાને ખરીદી શકે. આવનારી ચુંટણીઓમાં તમામ આગેવાનો કાર્યકરો સાથે ખભેખભા મિલાવી કમળને ખીલવવા પોતે તેમની પુરી તાકાત લગાવી દેશે. સાથે એ પણ ઉમેર્યું હતું કે, મેં ભાજપમાં કોઇપણ શરત કે કમીટમેન્ટ સાથે પ્રવેશ નથી કર્યો પક્ષ જે પણ આદેશ કરશે તે મારા માટે શિરોમાન્ય રહેશે. પાર્લામેન્ટરી બોર્ડ આગામી પેટા ચુંટણીમાં જેને પણ ટીકીટ આપે તેની સાથે રહી પુરી નિષ્ઠાથી કમળ ખીલવવાના કાર્યમાં તેઓ લાગી જશે. આ તકે જીલ્લા ભાજપ, શહેર-તાલુકા ભાજપના હોદેદારો કાર્યકરો હાજર રહ્યા હતા.

અમૃતિયાની ગેરહાજરી સુચક રહી!!

આ કાર્યક્રમમાં મોરબીના પૂર્વ ભાજપી ધારાસભ્ય અને આગળ પણ ચુંટણી લડવા ઇચ્છુક કાંતિલાલ અમૃતિયાની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. ઉપસ્થિત તમામ અને ખાસ કરીને પત્રકારોના મનમાં પણ એ જ સવાલ ઉઠતો રહ્યો હતો.

પરંતુ કાર્યક્રમની વચ્ચે જ આ સવાલોનો જવાબ મળી જતો હોય તેમ અમૃતિયાએ કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી અને પોતે પારિવારિક કામમાં વ્યસ્ત હોવાથી હાજરી ન આપી શકયાનું સંદેશામાં જણાવ્યું હતું. સાંસદ વિનોદભાઇ ચાવડાએ પણ શુભ સંદેશો પાઠવ્યો હતો.

મોરબી આવનારી ચુંટણી માટે પ્રદેશ ભાજપે સૌરભભાઇ પટેલ અને આઇ. કે. જાડેજાને નિરિક્ષકો તરીકે મુકયા હોવાનું મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું.

(11:43 am IST)