સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

રાજકોટ એસટીના સિકયુરીટી આસીસ્ટન્ટ અને સિનિયર સિકયુરીટી ઇન્સ્પેકટર સાયલા પાસે ઉઘરાણા કરતાં ઝડપાયા

મધ્યપ્રદેશથી તૂફાનમાં મજૂરો ભરી મોરબી જઇ રહેલા યુવાનને અટકાવી 'તે વધુ મુસાફર ભર્યા છે, દસ હજાર આપ નહિતર ગાડી પોલીસ સ્ટેશને લઇ જશું' કહી રૂ. ૮૦૦ પડાવી લીધાઃ સાગર કક્કડ અને અજયરાજસિંહ ચુડાસમા સામે ગુનો નોંધી ધરપકડ : એમપીના યુવાને ૮૦૦ આપી દીધા બાદ જુનાગઢના સાધુ સંતપુરીજીએ તેને પૈસા લેનારા પોલીસ નહિ હોવાનું કહી સાયલા પોલીસને બોલાવી આપતાં ફરિયાદ નોંધાવી

ઝડપાયેલા બંને શખ્સ નજરે પડે છે. (તસ્વીરઃ ફઝલ ચોૈહાણ-વઢવાણ)

રાજકોટ તા. ૩૦: રાજકોટ એસટી વિભાગમાં સિકયુરીટી આસીસ્ટન્ટ અને સિનિયર સિકયુરીટી ઇન્સપેકટર તરીકે ફરજ બજાવતાં બે શખ્સોએ સાયલા નજીક મધ્યપ્રદેશના યુવાનની તૂફાન ગાડી પોતાની પાસેની ટાટા સુમોથી આંતરી 'મુસાફરો કેમ વધુ ભર્યા છે, દસ હજાર આપી દે નહિતર ગાડી પોલીસ સ્ટેશને લઇ જવી પડશે' તેમ કહી ધમકાવી રકઝક બાદ ૮૦૦ રૂપિયા પડાવી લેતાં અને તે વખતે જ એક સાધુ ત્યાંથી નીકળતાં તેણે એમપીના યુવાનને પૈસા લેનારા પોલીસ નથી...તેવું જણાવી સાયલા પોલીસને બોલાવી આપતાં એમપીના યુવાને રાજકોટના બંને શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં સાયલા પોલીસે બંનેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.સાયલા પોલીસે આ બારામાં મુળ મધ્યપ્રદેશ જાંબુઆના પીથનપુરના આંબા ગામના વતની અમરસિંહ લુંજાભાઇ ભુરીયા (ઉ.૨૮) નામના યુવાનની ફરિયાદ પરથી રાજકોટ એસટી વિભાગ સિકયુરીટી આસીસ્ટન્ટ સાગર જેન્તીભાઇ કક્કડ તથા સિનિયર સિકયુરીટી ઇન્સ્પેકટર અજયરાજસિંહ ચંદ્રસિંહ ચુડાસમા સામે આઇપીસી ૩૮૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.અમરસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે હું ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવુ છું. ૨૮મીએ બપોરે બે વાગ્યા આસપાસ મને નારાયણ મકવાણા (રહે. મોરબી)નો ફોન આવ્યો હતો કે તારે વરાળ ગામેથી મજૂરો ભરીને અહિ આવાવનું છે. જેથી તું ચાર વાગ્યે વરાળ ગામે જજે અને ત્યાં જઇ મને ફોન કરજે. એ પછી નારાયણે મને સાડા ત્રણે ફોન કરેલો કે વરાળ ગામે જાવ મજુરો બસ સ્ટેશન પાસે બેઠા છે. હું દસેક કિ.મી. દૂર હોઇ ત્યાં ચારેક વાગ્યે પહોંચ્યો હતો. મજૂરો બસ સ્ટેશન પાસે બેઠા હતાં. મેં નારાયણને ફોન કરી મજૂરો મળી ગયા છે તેમ કહ્યું હતું.

મારી પાસે એમપી૧૩ટીએ-૨૫૮૨ નંબરની તૂફાન હતી. ૧૧ પેસેન્જરમાં એકનું ભાડુ ૧૧૦૦ નક્કી કર્યુ હતું. હું આ તમામને બેસાડી સાંજે ચારેક વાગ્યે વરાળ ગામેથી નીકળ્યો હતો. ૨૯મીએ સવારે સવા આઠેક વાગ્યે સાયલા તાલુકાની અલંકાર હોટેલ સામે નેશનલ હાઇવે પર મારી તૂફાન ગાડીની આગળ ટાટા સૂમો આવી હતી અને મને ગાડી રોકવાનો ઇશારો કરતાં મેં ગાડી રોકી હતી. ગાડીમાં બે માણસો હતાં. જેમાં ગાડી ચલાવનારે ભુરો શર્ટ પહેર્યો હતો. બાજુમાં બેઠેલાએ કાળો શર્ટ પહેર્યો હતો. ભુરા શર્ટવાળા ભાઇએ મને નીચે ઉતારી તે વધુ પેસેન્જર ભર્યા છે, દસ હજાર આપ નહિતર ગાડી પોલીસ સ્ટેશનમાં પુરી દઇશ તેમ કહ્યું હતું.

મેં તેને દસ હજાર તો નથી ૨૦૦ રૂપિયા આપી દવ તેમ કહેતાં તેણે અમે તને ૨૦૦ રૂપિયા જેવા લાગીએ છીએ? તેમ કહી ઉશ્કેરાઇ ગયેલ અને હાલ તારી ગાડી પોલીસ સ્ટેશને લઇ લે તેમ કહેતાં મેં રૂ. ૮૦૦ છે તે લઇ લો તેવુ કહેતાં તેણે ૮૦૦ લઇ લીધા હતાં.  ત્યાં એક બાઇકવાળા સાધુ નીકળતાં તેણે ઉભુ રાખી મને પુછેલ કે ગાડીવાળા અહિ શું કરતાં હતાં? તો મેં તેને કહેલ કે એ લોકોએ મને અટકાવી પેસેન્જર કેમ વધુ ભર્યા છે? તેમ કહી દસ હજાર માંગ્યા હતાં અને બાદમાં રૂ. ૮૦૦ લઇ ગયા છે.આથી સાધુએ મને કહેલું કે મારું નામ શ્રીસંતપુરીજી ગુરૂશ્રીકુશપુરીજી છે અને હું જુનાગઢ બીલખા રોડ ખરખડીયા મહાદેવ મંદિર પાસે રહુ છું. એ સાધુએ મને કહ્યું હતું કે આ કોઇ પોલીસવાળા નથી, તેણે તારી પાસેથી ખોટા રૂપિયા લીધા છે. તેની ટાટા સુમોમાં ગવર્નમેન્ટ ઓફ ગુજરાત પણ લખ્યું હતું. જેમાં નંબર જીજે૧૮જીએ-૧૪૦૩ હતાં. ગાડી હજુ ઉભી હોઇ હું દોડીને ત્યાં ગયો હતો અને તેને મેં રૂપિયા શા માટે લીધા? તે અંગે પુછતાં તેણે કહેલુ કે તમે વધુ મુસાફર ભર્યા છે એટલે.

આ પાછી સાધુએ ૧૦૦ નંબર પ ફોન કરતાં પોલીસ આવી ગઇ હતી અને મેં પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ કરી હતી. પોલીસ તપાસમાં કાળા શર્ટવાળાનું નામ સગાર કક્કડ હોવાનું તે રાજકોટ એસટી વિભાગમાં સિકયુરીટી આસીસટન્ટ હોવાનું તથા ભુરા શર્ટવાળાનું નામ અજયરાજસિંહ ચુડાસમા હોવાનું તથા તે પણ એસટી વિભાગ રાજકોટમાં સિનીયર સિકયુરીટી ઇન્સપેકટર હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી લીધી છે. આ બંનેએ બીજા કોઇ આવા ગુના આચર્યા છે કે કેમ? તે અંગે વિશેષ તપાસ સાયલા પીએસઆઇ આર. જે. ગોહિલ અને સ્ટાફે હાથ ધરી છે

(11:42 am IST)