સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

'ઉત્થાન' દ્વારા પૂનરોત્થાનનું જબરૂ કાર્ય

લોકડાઉન દરમિયાન મહિલા ખેડુતો અને ગરીબોની મદદે : પાકેલુ અનાજ ગામમાં જ વેચેવાનો અને વંચિતોને મદદરૂપ બનવા અનન્ય પ્રયાસ : ભાવનગર, મહીસાગર, પંચમહાલ અને દાહોદ એમ ચાર જિલ્લાનાં ૫૮ ગામોમાં સફળ પ્રયોગ

કોરોના મહામારીને કારણે ઊભી થયેલી આફતને ગ્રામીણ ગરીબો માટે અવસરમાં ફેરવવાની અનોખી પહેલ ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થા 'ઉત્થાન' દ્વારા કરવામાં આવી છે. લોક ડાઉનના કારણે છૂટક મજૂરી કરીને બે ટંકનો રોટલો રળતાં ગ્રામીણ ગરીબોની આવક સાવ બંધ થઈ ગઈ હતી. એટલે તેમને રાશન આપીને મદદરૂપ થવાનું 'ઉત્થાન' સંસ્થાએ નક્કી કર્યું. રાશન કે તૈયાર ભોજન આપવાનું કામ તો આખા ગુજરાત અને ભારતનાં અનેક રાજયોમાં થયું. તો 'ઉત્થાન'ની આ પહેલમાં નવું શું હતું?

'ઉત્થાન' દ્વારા ઉત્પાદક-ખેડૂતો અને ગ્રામીણ ગરીબ વપરાશકારો વચ્ચે સેતુ ઉભો કરવામાં આવ્યો એ નવી અને નોંધપાત્ર વાત છે. લોકડાઉન દરમ્યાન સંસ્થાએ પોતાના કાર્યક્ષેત્રનાં ગામોમાં કાર્યકરો મારફતે મોબાઇલથી અનૌપચારિક સર્વે કરીને, ગ્રામીણ ગરીબોની રાશનની જરૂરિયાતનો અંદાજ કાઢયો. એ દરમ્યાન સંસ્થાએ જોયું કે, નાના ખેડૂતો પોતાનો માલ દૂર આવેલા માર્કેટ યાડમાં વેચવા જવાને બદલે સ્થાનિક વેપારીને, તે જે ભાવ આપે તે ભાવે વેચી દે છે. કારણ કે, નાના અને સીમાંત (માર્જિનલાઇઝડ) ખેડૂતો પાસે દૂરના માર્કેટ યાર્ડ સુધી જવાનાં સાધનો હોતાં નથી. તેમ જ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ કરવાની તેમની આર્થિક શકિત હોતી નથી.

આ અંગે 'ઉત્થાન' સંસ્થાના સીઈઓ પ્રવીણભાઈ ભિકડીયા કહે છે કે, મહિલા ખેડૂતો પોતાનું અનાજ વેચીને આવક રળે તો તેમનું જીવન-ગુજરાન પણ ચાલુ રહે અને ગામના ગરીબોને વિનામૂલ્યે અનાજ પણ પૂરૂ પાડી શકાય. તે માટે 'ઉત્થાન' દ્વારા સ્થાનિક નાના ખેડૂતો પાસેથી તેમનું બધું અનાજ ખરીદી લેવાનું નક્કી કરવામાં આવ્યું. તેમાંય ખાસ કરીને, મહિલા ખેડૂતોને પ્રાથમિકતા આપીને તેમની પાસેથી ઘઉં, મકાઈ અને બાજરી જેવું અનાજ ખરીદવામાં આવ્યું. જે અનાજ મહિલા ખેડૂતો પાસેથી ખરીદવામાં આવ્યું તેની રકમ તે મહિલા ખેડૂતના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવી.

સરકાર દ્વારા જે રાહતનું અનાજ આપવામાં આવે છે તે માંડ એકાદ-બે સપ્તાહ ચાલે એટલું જ હોય છે. તેથી 'ઉત્થાન'ના આ અનોખા પ્રયાસથી ગામના અનાજના પુરવઠા અને માંગ વચ્ચેની ખાઈ પૂરવાનો પણ સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો.દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રૈયાવાન ગામનાં ૫૮ વર્ષીય વાલીબહેન પલાશે તેમની ૧૫ વીઘા જમીનમાં માર્ચ મહિનામાં જ પાકની લણણી કરી લીધી હતી. પરંતુ, લોકડાઉન દરમ્યાન તેમના ઘઉં અને મકાઈ કયાં અને કેવી રીતે વેચવા તે સવાલ તેમને મુંઝવતો હતો. વાલીબહેન પલાશે તેમના ઘઉં, ૧૯ રૂપિયે કિલોના ભાવે સંસ્થાને વેચ્યા. તેમણે તે બજારમાં વેચ્યા હોત તો તેમને ૨૦ કે ૨૨ રૂપિયા જેટલો ભાવ મળી શકયો હોત, પણ લોકડાઉનને લીધે તે તો શકય જ નહોતું. વાલીબહેન કહે છે, જો હું બજારમાં વેચવા ગઈ હોત તો મને એક કિલોએ પાંચ રૂપિયા જેટલો વાહન ખર્ચ થાત. મારા એે પૈસા બચી ગયા.

બીજી તરફ, તેમના જ ગામનાં શકુબહેન પલાશ પાસે ખાવા માટે ધાન નહોતું. તેમની પાસે બીપીએલ કાર્ડ છે. તેમની પાસે આવક ઊભી કરવા માટે માત્ર જમીનનો એક નાનો ટુકડો છે તેમજ એ જમીન પણ સંયુકત નામે છે. રોજગારી માટે શકુબહેનને સ્થળાંતર પણ કરવું પડતું હોય છે, પરંતુ લોકડાઉનને કારણે રોજગારી માટે સ્થળાંતર ન થઈ શકયું અને તેઓ ગામમાં જ ફસાયેલાં રહ્યાં. તેથી સંસ્થા દ્વારા તેમને સહાયરૂપે અનાજ આપીને મદદ પૂરી પાડવામાં આવી. 

આ રીતે પોતાના ખેતરનો પાકો માલ વેચવા માટે વલખાં મારતાં અનેક મહિલા ખેડૂતો હતાં અને બીજી બાજુ બે ટંકનો રોટલો મેળવવા માટે ચિંતિત ગરીબ લોકો પણ હતા. એટલે જ, 'ઉત્થાન'નો આ અનોખો વિચાર રંગ લાવ્યો. ગામના ગરીબોને બે ટંકનું અનાજ મળ્યું અને એ જ ગામના નાના ખેડૂતોને પોતાનું અનાજ વેચીને આવક મળી.

આ પ્રયાસમાં જોડાયેલાં, ભાવનગરમાં 'ઉત્થાન' સંસ્થાના મદદ અને માર્ગદર્શનથી રચાયેલા સમર્થન મહિલા સંગઠનના પ્રમુખ અને આકાવાડા ગામનાં રહેવાસી ગીતાબહેન બોરીચા કહે છે, 'મેં મારા ગામની નજીકનાં ગામોમાં અનાજની જરૂરિયાત ધરાવતાં વિધવા બહેનો, રોજમદારો અને વિકલાંગતા ધરાવતા લોકો મળીને ૨૭ પરિવારોને ઓળખી કાઢયાં હતાં. તે પછી અમે ગામની મહિલા ખેડૂતો પાસેથી જ અનાજ ખરીદ્યું. ઉપરાંત, તેલ, મસાલા, ચા અને ખાંડ જેવી ચીજો શહેરની દુકાનોમાંથી ખરીદી. રાહત માટેની કીટ અમે ગામની મહિલાઓએ સાથે મળીને જ તૈયાર કરી. બહેનોના આ પ્રયાસથી મહિલા ખેડૂતો, લોકડાઉનના સમયમાં બહાર અનાજ વેચવાની ચિંતાથી મુકત થયાં તથા વેપારીઓ દ્વારા કદાચ આર્થિક શોષણ થાત તેનાથી પણ તેઓ બચ્યાં.

મહીસાગર જિલ્લાના મોટા સરાણીયા ગામનાં ૪૦ વર્ષનાં મકસૂદ બહેન મદારી અને બીજાં ૩૪ મહિલાઓને જે કીટ મળી તેનાથી તેઓ ખૂબ રાહત અનુભવતાં હતાં અને તેમને રમઝાન મહિનામાં તે રાહતનું અનાજ ખૂબ આર્શીવાદપ નીવડયું.

'ઉત્થાન'નાં અગ્રણી નફિસાબહેન બારોટ અને પલ્લવીબહેન કહે છે, આ રીતે અમારા કાર્યક્ષેત્રના ભાવનગર, મહીસાગર, પંચમહાલ અને દાહોદ એમ ચાર જિલ્લાનાં ૫૮ ગામોની ૭૮ મહિલા-ખેડૂતો પાસેથી અમે અનાજ ખરીદીને તેમને ૯,૧૨,૯૮૦ રૂપિયા ચૂકવ્યા. એ તેમની કમાણી થઈ. તેમની પાસેથી લગભગ ૪૪૧૩૬ કિલો અનાજ ખરીદવામાં આવ્યું અને તેમાંથી ૩૦૦૦ કીટ તૈયાર કરવામાં આવી. દરેક કીટમાં ૧૦ કિલો ઘઉં અને પાંચથી દસ કિલો બાજરી કે મકાઈ મૂકવામાં આવી હતી. આ રીતે સમય, શકિત અને ખર્ચમાં થયેલા બચાવને ધ્યાનમાં લેવામાં આવે તો મહિલા ખેડૂતોને તેમના ખર્ચમાં આશરે ૨૨ ટકાની બચત થઈ અથવા તેટલો ફાયદો થયો એમ કહી શકાય. 

'ઉત્થાન'ની આ ઉમદા પહેલથી લોકડાઉનના સમયમાં ભાવનગર, દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાનાં ૧૪૫ ગામોના આશરે ૩૦૦૦ પરિવારોને આવશ્યક ચીજો અને અનાજની રાહત પહોંચાડવાનું પ્રશંસનીય કાર્ય થયું છે.

ઉપરાંત 'ઉત્થાન' દ્વારા મહીસાગર, દાહોદ અને ભાવનગર જિલ્લાની ૮૦ ગ્રામીણ બહેનોને માસ્ક બનાવવાની રોજગારી પૂરી પાડીને કુલ ૩,૩૫,૦૦૦ રૂપિયાની આવક રળી આપવામાં આવી. બહેનોએ બનાવેલાં ૬૭,૦૦૦ માસ્કનું 'ઉત્થાન' દ્વારા ૪૪ ગામોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું એ પણ નોંધપાત્ર છે. આ બહેનોને એક માસ્ક બનાવવાની મજૂરી પેટે 'ઉત્થાન' દ્વારા પાંચ રૂપિયા આપવામાં આવ્યા, જયારે પુરુષોને ચાર રૂપિયા આપવામાં આવ્યા. આવા ઉમદા પ્રયોગ દ્વારા 'ઉત્થાન' એ, દરેક કુટુંબમાં મહત્ત્વનું પ્રદાન કરતી મહિલાઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવાની ઉમદા મિસાલ કાયમ કરી છે.

'ઉત્થાન' સંસ્થા છેલ્લાં ૪૦ વર્ષથી ગુજરાતના અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં અતિવંચિત સમુદાયોના ટકાઉ વિકાસ માટે કાર્યરત છે. આ કામગીરી થકી સંસ્થા, ૪૧૨ ગામોના ૧૪ લાખ લોકોના સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપી રહી છે.

સંકલન : સંજય દવે,

ચરખા – ડેવલપમેન્ટ ન્યૂઝ, ગુજરાત

(11:37 am IST)