સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 30th May 2020

રાપર ધારાસભ્યના પતિ સહિત કોંગ્રેસના 8 પ્રતિનિધિ સામે જાહેરનામા ભંગની ફરિયાદ

બપોરે 50થી 60 માણસોનું ટોળું પાણીની તંગી મુદ્દે નગરપાલિકામાં રજૂઆત કરવા આવતા ફરિયાદ

ગાંધીધામઃ રાપરના ધારાસભ્ય સંતોકબેનના પતિ અને પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ ભચુભાઈ ધરમશી આરેઠીયા સહિત કોંગ્રેસના 8 ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હોદ્દેદારો સામે રાપર નગરપાલિકાએ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાવી છે. ભચુ આરેઠીયા સહિતના કોંગ્રેસી કાર્યકરોના નેતૃત્વમાં ગત સાંજે પાંચેક વાગ્યાના અરસામાં 50થી 60 માણસોનું ટોળું પાણીની તંગી મુદ્દે નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યું હતું.

ફરિયાદ નોંધાવનારા પાલિકાના ચીફ ઑફિસર મેહુલ જોધપુરાએ જણાવ્યું કે, તેમને સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવા સૂચના આપી હોવા છતાં બધાએ એક જ હૉલમાં એકત્ર થઈ સોશિયલ ડિસ્ટન્સનો છેદ ઉડાડી તેમને આવેદન પત્ર આપતાં તે સ્વિકારવાની તેમને ફરજ પડી હતી. જોધપુરાએ ભચુ આરેઠીયા ઉપરાંત રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ મિતુલ જયંતીલાલ મોરબીયા, તાલુકા પંચાયત સદસ્ય કાન્તિલાલ રામજીભાઈ ઠક્કર, કોંગ્રેસના કાર્યકર મહેશ કરસનભાઈ ઠાકોર, કોંગી નગરસેવક દિનેશભાઈ ભચુભાઈ ચંદે, કોંગ્રેસ કાર્યકર રમેશભાઈ ચાવડા, શહેર કોંગ્રેસ મંત્રી રોહિતભાઈ પ્રભુલાલ ઠક્કર અને પાલિકાના વિરોધ પક્ષના નેતા દિનેશભાઈ કારોત્રા એમ આઠ લોકો સામે ભારતીય દંડ સંહિતા 188 હેઠળ આજે બપોરે ફરિયાદ નોંધાવી છે.

(10:17 pm IST)