News of Thursday, 30th May 2019
ભરૂચના કોલેજ રોડ પર ટ્રાન્સ્ફોર્મરમાં અચાનક ધડાકો થતા આગ ભભૂકી
ફાયર બ્રિગેડના ટેન્કર અને વીજકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા
ભરૂચ કોલેજ રોડ ઉપર જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પાસે આવેલ સરદાર પટેલ સોસાયટીના મુખ્ય ગેઇટને અડીને જી.ઇ.બી દ્વારા વિજ પુરવઠા માટે મુકાયેલ એક ટ્રાન્સ્ફોર્મર(ડી.પી.)માં બપોરના સમયે અચાનક ધડાકો થઈ આગ ભભૂકવાની ઘટના સામે આવી હતી.
અચાનક ધડાકા સાથે આગના પગલે આ વિસ્તારમાં એક સમયે નાસભાગ મચી જવા પામી હતી. જો કે ઘટનાની જાણ ભરૂચ ફાયર વિભાગને તેમજ જી.ઇ.બીને કરતા સમયસર ફાયર ટેન્ડર પહોંચતા આ આગ કાબુમાં આવી હતી. સાથે આગ ઓલવાયા બાદ તુરંત વિજકર્મીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તુરંત સમારકામ હાથ ધર્યું હતું.
આ ઘટનામાં કોઇ જાન હાની તો ન નોંધાઇ પરંતુ ટ્રાન્સ્ફોર્મર્ની આસપાસનું તમામ ઘાસ પણ બળી ગયું હતું
(10:13 pm IST)