સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

ખંભાળીયાનાં સલાયાનાં ર૬ ખલાસીઓનો વાવાઝોડા બાદ હજુ પત્તો નથી

ખંભાળીયા તા. ૩૦ :.. તાલુકાના સલાયા ગામેથી યમન તથા ઓમાનમાં ગયેલ વહાણવટીઓમાં બે ના મોત થયા પછી અલ ખીજર વહાણના ૧૩ ખલાસીઓ તથા અન્ય વહાણોના ૧૩ મળીને કુલ ર૬ ખલાસીઓ તથા વહાણના મજૂરોની હજુ ભાળ ના હોય તેના પરિવારજનો ભારે ચિંતામાં મૂકાયા છે.

ગત ગુરુવારે થયેલા ભારે દરિયાઇ તોફાનમાં સલાયા તથા સિકોતેર બંદર પાસે ફસાઇ ગયેલા વહાણોમાં બે વહાણો ડૂબી જતાં તથા વહાણોનાં ખલાસીઓ ફસાઇ જતાં  બે ના  મૃતદેહ પ્રાપ્ત થયા હતા જયારે બાકીના અલ ખીજર વહાણના ૧૩ ખલાસીઓ તથા અન્ય વહાણોના ૧૩ મળીને સલાયાના હજુ ર૬ વ્યકિતઓની કંઇ ભાળ ના મળી  હોય તેના કુટુંબીજનો ચિંતાતુર થઇ ગયા છે.

સરકારી તંત્ર એજન્સીઓ દ્વારા રાજદૂત તથા વિદેશી એલચીની મદદથી આ લાપતા ખલાસીઓની ભાળ કાઢવા માટે જહેમત ઉઠાવે તેવી માંગ કુટુંબીજનોએ કરી છે.

પવિત્ર રમઝાન માસમાં આવા કરૂણ બનાવોથી સલાયા-ખંભાળીયાના વાઘેર તથા મુસ્લીમ સમાજમાં ભારે શોકનું વાતાવરણ છવાયું છે. (પ-ર૧)

(12:57 pm IST)