સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

ભાવનગરઃ પ્રેમિકા સાથે મળીને પતિએ પત્નિને સળગાવી નાખી

કેરોસીન છાંટીને સળગાવતા સવા મહિના બાદ જ્યોતિબેન લક્ષ્મણભાઈ ડાભીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો

ભાવનગર, તા. ૩૦ :. ભાવનગરમાં સવા માસ પહેલા પ્રેમિકા સાથે મળી પતિએ સળગાવેલ પત્નિનું આજે સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પરીણમ્યો છે. પોલીસે મરનાર પરીણિતાના પતિ અને પતિની પ્રેમીકાની ધરપકડ કરી છે.

બનાવની વિગતો એવી છે કે, શહેરના ઘોઘારોડ ખાસ્સી વિસ્તારમાં હિમાલીયા ટેનામેન્ટના પ્લોટ નં. ૧૦/બી માં રહેતી જ્યોતિબેન લક્ષ્મણભાઈ ડાભી (ઉ.વ.૩૫)ની ને તેણીના પતિ લક્ષ્મણ કમાભાઈ ડાભીને ગત તા. ૧૫-૪ના રોજ ખેડૂતવાસમા રહેતી ભાવુબેન કોળી નામની પ્રેમીકા સાથે ઘરમાં જોઈ જતા આ મામલે પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થતા અને જ્યોતિબેને ભાવુબેન સાંથે સંબંધ ન રાખવા જણાવતા પતિ લક્ષ્મણ ડાભી અને તેની પ્રેમિકા ભાવુબેને એક સંપ કરી જ્યોતિબેનને પકડી રાખી તેણી ઉપર કેરોસીન છાંટી જીવતી સળગાવી હતી.

ગંભીર રીતે દાઝી ગયેલા જ્યોતિબેનને સારવાર માટે અત્રેની સર ટી હોસ્પીટલ ખસેડાયેલ હતા, જ્યાં આજે તેનુ સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પરીણમ્યો છે. આ બનાવ અંગે પોલીસે હતકયાની કલમનો ઉમેરો કરેલ છે. પોલીસે બન્ને આરોપી લક્ષ્મણ ડાભી અને તેની પ્રેમીકાને ઝડપી લીધા છે.(૨-૫)

(12:07 pm IST)