સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th April 2021

પોરબંદરમાં સાંદિપની-વનાણા સ્થિત કોવિડ કેર સેન્ટરને ૫૦ ઓક્સિજન સિલિન્ડર રેગ્યુલેટર સાથે અપાયા

કોવિડ હેલ્પ એસો.ના હોદ્દેદારોએ વહીવટી તંત્ર સાથે સંકલન કરી કોરોના દર્દીની સારવાર કરી રહ્યા છે.

પોરબંદર :  પોરબંદરમાં કોરોના મહામારીનો સામનો કરી રહેલા દર્દીઓની મદદ માટે પોરબંદરની વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનોએ સાથે મળી કોવિડ હેલ્પ એસોસિએશનની રચના કરવામાં આવી છે, આ એસોસિએશન દ્વારા સાંદિપની અને વનાણા ખાતે આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે હેતુથી 50 ઓક્સિજન બાટલા અને રેગ્યુલેટર કીટ સાથે આપવામાં આવ્યા છે.

કોવિડ હેલ્પ એસોસિએશન દ્વારા આ 50 બાટલા ઓક્સિજન કીટ સાથે પુરા પાડવામાં આવતા હવે સાંદિપની અને વનાણા આ બંને કેર સેન્ટરોમાં 50 જેટલા વધુ દર્દીઓને સારવાર મળી રહેશે.

કોવિડ હેલ્પ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટર અને વહીવટી તંત્રની સાથે સંકલન કરી જ્યાં પણ જરૂરિયાત જણાય ત્યાં મદદરૂપ થવા કટિબદ્ધ હોવાનું હિરલબા જાડેજા, અનિલભાઈ કારિયા, લાખણશી ગોરાણીયા, રાજુભાઈ લાખાણી, કરસનભાઈ સલેટ અને અનિલરાજ સંઘવીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(8:42 pm IST)