સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th April 2021

અમરેલી જીલ્લામાં ૨૪ મૃતક દર્દીઓની પીપીઈ કિટમાં અંતિમવિધીઃ ચોરાપા વિસ્તારમાં ૩ દિ'માં ૩ મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૩૦ :. અમરેલી શહેરમાં લગાયેલા સ્વૈચ્છીક લોકડાઉન અને જિલ્લામાં લેવાઈ રહેલી કાળજીને કારણે કોરોનાના દર્દીઓના મોતના પ્રમાણમાં અને દવાખાને આવતા કેસમાં આજથી ઘટાડો દેખાઈ રહ્યો છે અને હવે આ ઉપદ્રવ શમી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. અમરેલી જિલ્લામાં પીપીઈ કીટમાં ૨૪ લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં અમરેલીના ગાયત્રી મોક્ષધામમાં ૫, સાવરકુંડલામાં ૪, રાજુલામાં ૩, કૈલાસ મુકિતધામમાં ૧૨ દર્દીઓના પીપીઈ કીટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જો કે કોવિડ ન હોય તેવા મરણના પ્રમાણ અમરેલીમાં મોટી સંખ્યામાં ચાલુ છે. જેમાં રાજુલામાં કોરોના ન હોય તેવા આઠ લોકો, કુંડલામાં બે અને અમરેલી શહેરમાં પંદર લોકોના મોત થયા છે. આમ કોરોનાના ૨૪ અને ૨૫ અન્ય મળી આજના અમરેલી, કુંડલા, રાજુલાનો મળીને કુલ મરણાંક ૪૯ થયો છે.

અમરેલીમાં મોતનો ઓછાયો લંબાઈ રહ્યો હોય તેમ અમરેલીની શેરીએ શેરીએ મોતનો નાચ શરૂ થયો છે. જૂના અમરેલી શહેરમાં આવેલા ચોરાપા વિસ્તારમાં ત્રણ દિવસમાં ત્રણના મોત થયા છે. કાલે અતુલભાઈ અધ્યારૂ, પરમ દિવસે હર્ષદભાઈ અધ્યારૂ અને આજે બબાભાઈ શુકલના નિધનથી ચોરાપાાં શોક છવાયો છે.

(1:18 pm IST)