સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th April 2021

ગોંડલ-થાનગઢ પંથકમાં મીની વાવાઝોડું ફૂંકાયું: નળીયા-છાપરા ઉડયા

દરરોજ સાંજે છવાતો ચોમાસાનો માહોલઃ સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉકળાટ

પ્રથમ તસ્વીરમાં કોટડાસાંગાણી, બીજી અને ત્રીજી તસ્વીરમાં ગોંડલ, ચોથી તસ્વીરમાં રાણસીકીમાં પડેલ વરસાદ તથા પાંચમી તસ્વીરમાં વાંકાનેરમાં મેઘધનુષ નજરે પડે છે. (તસ્વીરઃ કલ્પેશ જાદવ-કોટડાસાંગાણી-ભાવેશ ભોજાણી (ગોંડલ) મહમદ રાઠોડ (વાંકાનેર)

રાજકોટ, તા. ૩૦ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં દરરોજ સાંજના સમયે ચોમાસાનો માહોલ છવાઈ જાય છે અને સવારથી અસહ્ય ઉકળાટ છવાઈ જાય ે.

ગઈકાલે સાંજે સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ અને ગોંડલ પંથકમાં મીની વાવાઝોડુ ફુંકાયુ હતું.

ગોંડલ શહેર ઉપરાંત રાણસીકી, વિંઝીવાડ, દેરડી કુંભાજી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે મીની વાવાઝોડુ ફુંકાયુ હતુ અને અનેક સ્થળોએ નળીયા, છાપરા ઉડયા હતા.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩૫ મહત્તમ, ૨૫ લઘુતમ, ૮૫ ટકા વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ૭.૪ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કોટડાસાંગાણી

કોટડાસાંગાણી સહીતના આસપાસના ગામોમા સાંજના છ વાગ્યાના અરસામાં સતત ત્રીજા દિવસે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી.તો બીજી તરફ ખેતરોમાં પડેલ ડુંગળી અને લષણને નુકસાન થયુ છે.

કોટડાસાંગાણી સહીત આસપાસના ગામોમા સાંજના સુમારે વાતાવરણમા અચાનક પલ્ટો આવ્યો હતો.અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકયો હતો.જોતજોતામાં ચોમાસાની માફક વરસાદ તુટી પડ્યો હતો.સાથેજ વીજળીના અવાજે ગામ લોકોને ડરાવ્યા હતા.જયારે પુરા દિવસના બફારા બાદ સાંજના સુમારે કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.અને લોકોને ગરમીથી રાહત મળી હતી.અને નાના ભુલકાઓએ કમોસમી વરસાદમા ન્હાવાની મજા લીધી હતી.

વાંકાનેર

વાંકાનેર : પંથકમાં છેલ્લા ચારેક દિવસથી કમોસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદથી સ્વભાવિક છે કે કોઇ ફાયદાની આશા ન રાખી શકાય. વાતાવરણ રોગિષ્ટ બનવાથી માંડી આ કમોસમી વરસાદના અવતરણે બીજા અનેક ગેરફાયદા જોવા મળી રહ્યા છે.

વાંકાનેર શહેરમાં બુધવારની બપોરે વરસેલા થોડા વરસાદ બાદ આભમાં મેઘ ધનુષ જોવા મળ્યુ તે આશ્ચર્ય ઉપજાવતું હતું ગઇકાલે વાંકાનેર શહેર સહિત તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસ્તા પર પાણી વહાવી દેનારા વરસાદી છાંટા વરસ્યા હતાં. જો કે વાંકાનેરના રાજાવડલામાં નોંધનીય વરસાદ વરસવાની સાથે વાંકાનેર તાલુકાના મહિકા -જોધપર-કોઠી માં કરી સાથે વરસાદ ખાબકયો હતો. અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાંકાનેર શહેરથી વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યાના અહેવાલો મળે છે. હાલ વાંકાનેર શહેરમાં રાત્રીના વિજ ચમકારા, દિવસે ગાજવીજ પવનનો જોર સાથે દરરોજ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવી વરસાદી માહોલ જોવા મળે છે.

વાંકાનેરમાં ગઇકાલે  ધુળની ડમરીઓ, વેગીલા પવનો અને ગાજવીજ સાથે ધીમીધારે વરસાદી ઝાપટું વરસી જતા રસ્તાઓ પલળી ગયા હતાં. આભામાં મેઘ ધનુષ પણ જોવા મળ્યું હતું.

(11:44 am IST)