સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th April 2021

ગીરગઢડાના મહોબતપરામાં પ૦ બેડ સાથેની કોવીડ કેર હોસ્પિટલનો આવતીકાલથી પ્રારંભ

પ ડોકટરો તથા નર્સિંગ સ્ટાફથી ર૪ કલાક વિનામુલ્યે સેવાઃ ઓકસીજન વેન્ટીલેટર સુવિધા

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૩૦ : ગીરગઢડા તાલુકાના મહોબતપરા ગામે ગીરગુંજન શૈક્ષણીક સંકુલમાં સંપૂર્ણ સાધનોથી સજજ વિનામુલ્યે પ૦ બેડની કોવીડ કેર હોસ્પીટલ આવતીકાલથી શરૂ થશે આ હોસ્પિટલમાં પાંચ ડોકટરો, નર્સિંગ સ્ટાફ ર૪ કલાક વિનામૂલ્યે સેવા આપશે.

ઉના-ગીરગઢડામાં કોરોના વાયરસના સંક્રમણ વધી રહેલ છે. ઉનાની રર બેડની કોવીડ હોસ્પીટલ ભરાઇ ગઇ છે. ગીરગઢડાની સીએસસીમાં ૧૭ બેડની વ્યવસ્થા છે. પરંતુ ઓકસીજનની અછત વેન્ટીલેટર નથી. તેમજ નિષ્ણાંત ડોકટરો નથી તેથી લોકોને સારવાર આપવા ઉના-તુલશીશ્યામ રોડ ઉપર મહોબતપરા ગામની સીમમાં કાતરીયા પરિવારનું ગીર-ગંુજન શૈક્ષણિક સંકુલ વિશાળ આવેલ છે તેના સંચાલકોએ ક્ષણનો વિચાર કર્યા વગર આ શૈક્ષણીક સંકુલને કોવીડ કેર હોસ્પીટલમાં ફેરવવા નિર્ણય કરતા ગીરગઢડા તાલુકના જીલ્લા પંચાયતના ધોકડવાના સદસ્ય ડાયાભાઇ જામોધરા, આગેવાનોએ તક ઝડપ સિહયારા પુરૂષાર્થથી માત્ર ર દિવસમાં પ૦ બેડની કોવીડ કેર હોસ્પીટલ શરૂ કરવા જઇ રહ્યા છે. જેમાં એમ.ડી.ડોકટર ઘેલજીભાઇ કલસરીયા, ડો. અરવિંદભાઇ કાતરીયા, ડો. રજનીકાંતભાઇ જાલોધરા, ડો.ભરતભાઇ રાજા ર૪ કલાક નિઃશુલ્ક સેવા આપશે તેમજ સંસ્થા દ્વારા દાખલ થયેલ દર્દીઓને બે ટાઇમ પોસ્ટીક ભોજન સવાર-સાંજે ચા-દુધ આપવામાં આવશે. તેમજ ઓકસીજન અને વેન્ટીલેટરની પણ સુવિધા હશે.

દાખલથયેલ દર્દીઓને મનોરંજન માટે પણ કાર્યક્રમ યોજાશે. તમામ સારવાર નિઃશુલ્ક રહેશે માત્ર દવા-ઇન્જેકશનો બિમાર દર્દીઓએ ખરીદવાના રહેશે. કપરાકાળમાં માનવ સેવાનું કાર્ય કરનાર તમામ લોકોને અભિનંદન સાથેધન્યવાદ  મળી રહેલ છે.

(11:39 am IST)