સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th April 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના સંક્રમણ અટકાવવા ધંધા-રોજગાર બંધનો અમલ

અમુક જગ્યાએ માત્ર થોડો સમય દુકાનો ખુલ્લી રખાય છે તો અમુક વિસ્તારોમાં સજ્જડ બંધ

પ્રથમ તસ્વીરમાં અલીયાબાડા, બીજી તસ્વીરમાં વિંછીયા અને ત્રીજી તસ્વીરમાં ધોરાજી બંધ નજરે પડે છે.

રાજકોટ,તા. ૩૦: કોરોના મહામારી વચ્ચે સ્વૈચ્છીક અને રાજ્ય સરકારના આદેશ સાથે લોકડાઉનનો અમલ થઇ રહ્યો છે. દરરોજ સંક્રમણ અટકાવવા માટે જીલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ ધંધા રોજગાર બંધ રાખવામાં આવી રહ્યા છે.

અમુક જગ્યાએ માત્ર થોડો સમય દુકાનો ખુલ્લી રખાય છે તો અમુક વિસ્તારોમાં સજ્જડ બંધનું પાલન થઇ રહ્યુ છે.

વિંછીયા

(પિન્ટુ શાહ) વિંછીયા,તા. ૨૯ : વિંછીગા તથા તાલુકામાં વધતા કોરોનાના સંક્રમણની ચેનને તોડવા આજે તા. ૨૯ થી તા. ૨/૫ સુધી વધુ ચાર દિવસનું સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન અપાતા વિંછીયા સવારથી જ સંપૂર્ણ સજ્જડ બંધ રહ્યુ છે.

વિંછીયા તથા તાલુકાના ગામડાઓમાં કોરોના રૂપી રાક્ષસ અનેક લોકોને જીવ લઇ ભરખી ગયો છે લોકો કોરોના ભય અને ટપોટપ મોતથી ફફડી ગયા છે. વિંછીયા તથા તાલુકામાં તાવ-શરદી -ઉધરસના શંકાસ્પદ કોરોના દર્દીઓ વધી રહ્યા છે. બીજી તરફ રસીકરણ પણ આ વિંછીયા તાલુકામાં જિલ્લામાં સૌથી ઓછુ હોવાનું જણાવાય છે. જેને લઇ વેપારીઓએ વધુ ચાર દિવસનું લોકડાઉન આપતા સવારથી વિંછીયાની મુખ્ય બજાર સહિત બંધ છે. જો કે સતત બંધથી વિંછીયામાં નાના વેપારીઓમાં કચકચાટ અને ગણગણાટ શરૂ થયાનું જાણવા મળે છે.

અલીયાબાડા

(મુકેશ વરીયા દ્વારા) ફલ્લા : જામનગર તાલુકાના અલીયા (બાડા) ગામ ગામનાં વેપારી એસોસીએશન દ્વારા તા. ૨૮ થી તા. ૫/૫/૨૧ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. કોરોનાની મહામારીને રોકવા માટે વેપારીએસોસીએશનનાં સ્વૈચ્છીક લોકડાઉનને દરેક વેપારીઓએ ટેકો આપીને ગામ સજ્જડ બંધ કરેલ છે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજીમાં બેકાબુ થઇ રહેલ કોરોના મહામારી ની ચેઈન તોડવા માટે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ અને તેની સાથે જોડાયેલા ૩૦ જેટલા એસોસિયનની બેઠકમાં નિર્ણય લેવાયો જેમાં આઠ દિવસ માટે ધોરાજી બંધ રાખવાની જાહેરાત કરી હતી જેમાં આજે ધોરાજી બીજા દિવસે સંપૂર્ણ બંધ રહ્યું હતું.

વેપાર ઉદ્યોગ મહામંડળ ધોરાજીના પ્રમુખ લલીતભાઈ વોરા જણાવેલ કે છેલ્લા ઘણા સમયથી ધોરાજી ઉપર આફત આવી છે મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે સ્વયં લોકો અને વેપારી ઓ જાગૃત બને તે હેતુથી ધોરાજી બંધ રાખવાની ફરજ પડી છે ધોરાજીમાં અનેક વેપારીઓ કોરોનાને કારણે અવસાન પામ્યા છે જે આપણા માટે ઘણું દુઃખ કહેવાય. બાદ લલીતભાઈ વોરા જણાવેલ કે હાલમાં ધોરાજીની વિકટ પરિસ્થિતિનો સામનો કરવો એ આપણા સૌની ફરજ છે અને કોરોનાનો સંક્રમણ અને સાંકળ તોડવા બાબતે આપણે સૌએ આજથી ગુરુવાર આઠ દિવસ સુધી સજ્જડ બંધ રાખું પડશે એટલું જ નહીં ધોરાજી માં જાહેરમાં નીકળવું નહીં અને આઠ દિવસ સુધી ઘરમાં જ સુરક્ષિત રહી અને પોતાનું કાર્ય કરવું તે બાબતે તમામ વેપારી એસોસીએશનને વિનંતી કરી હતી

(10:52 am IST)