સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th April 2021

સાવરકુંડલાના ગીરાસદાર પરિવારના સાત સભ્યો કોરોનાગ્રસ્ત થતા પડોશીએ નવ દિવસ માત્ર પાણી પીને માતાજીનું અનુષ્ઠાન આદર્યું

સાવરકુંડલા,તા. ૩૦: પ્રતાપભાઇ બી.ખુમાણ મેનેજીંગ ટ્રસ્ટી, સનરાઇઝ સ્કૂલ, સાવરકુંડલાના પરિવારના સાત -સાત સભ્યો કોરોનાગ્રસ્ત થતા સાવરકુંડલાના જેસર રોડ ઉપર નંદીગ્રામ સોસાયટીમાં રહેતા, આ પરિવારના જુના પડોશી મિત્ર, લુહાર હસમુખ પરષોતમભાઇ રાઠોડ (ભુરા)એ (મો. ૯૪૨૭૨ ૪૪૧૪૯)એ નવ દિવસ સુધી અન્નનો દાણો મોઢામાં નાખ્યા વગર માત્રને માત્ર પાણી ઉપર રહી માતાજીનું અનુષ્ઠાન કર્યું.

બે -ત્રણ દિવસ પછી તેની તબિયત લથડી, તેને ગ્લુકોઝનાં બાટલા ચડાવવા પડ્યા, છતાં તેની શ્રધ્ધા ડગી નહીં ને દરરોજ પોતાના કુળદેવીના મઢે સવાર -સાંજ નવ -નવ વખત આરતી ગાઇને આ આખા પરિવારની સુરક્ષા માટે પોતાના માતાજીને આજીજી કરતો રહ્યો.

ખુમાણ પરિવારના એક પછી એક સભ્યો જેમ જેમ સ્વસ્થ થયા ગયા તેમ તેમ માતાજીને શ્રીફળ ચડાવતો ગયો. છેલ્લે જ્યારે પ્રતાપભાઇ ખુમાણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ ઘરે પહોંચ્યા ત્યારે તેમની રાહ જોતો.. દૂર ઉભો હતો અને તેમને જોઇને ચોધાર આંસુ સાથે પોકે પોકે રોયો.

આટલો પ્રેમ અને લાગણી જોઇને પ્રતાપભાઇ પણ અચંબિત થઇ રડી પડ્યા, પ્રતાપભાઇને રૂબરૂ જોયા પછી જ તેણે માતાજીને નાળિયેર ચડાવી, મોઢામાં અન્નનો દાણો તેણે નાખ્યો. હજી તેણે ભુરખિયા હનુમાનજી મંદિરે ચાલીને જવાની માનતા રાખી છે.

આ તબક્કે પ્રતાપભાઇએ જણાવ્યુ હતુ કે આ બધાનું ઋણ અમે કયાં જન્મમાં ઉતારી શકીશું. આ શ્રધ્ધા અને આસ્થાએ જ અમારા પરિવારને નવજીવન આપ્યુ છે. અમારો પરિવાર, આખી જિંદગી ભૂરાનો ઋણી રહેશે.

(10:21 am IST)