સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th April 2021

મોરબી જીલ્લા ભાજપના જુથવાદથી પર રહી વહીવટી તંત્ર પ્રજાહિતના કાર્યો કરે : રમેશ રબારી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૩૦: જીલ્લામાં કોરોના મહામારીના સમયમાં જીલ્લા ભાજપના જુથવાદથી પર રહીને જીલ્લાનું વહીવટી તંત્ર પ્રજા હિત કાર્યો કરે તેવી માંગ સાથે કોંગ્રેસ અગ્રણીએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી છે.

કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે જીલ્લાની પ્રજાએ મોરબી જીલ્લા ભાજપમાં ચાલતા જુથવાદને કારણે કોઈપણ વ્યકિત જુથવાદનો ભોગ ના બને અને યોગ્ય સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની જરૂરત છે મોરબી શહેર ઉપરાંત વાંકાનેર તાલુકા, હળવદ તાલુકા અને માળિયામાં કોરોનાએ માજા મૂકી છે ત્યારે લોકોમાં ચાલતી ચર્ચા મુજબ મોરબી જીલ્લા ભાજપમાં ચાલતા જુથવાદને કારણે વહીવટી તંત્રને કામગીરી કરવામાં મુશ્કેલી ભોગવવી પડે છે.

હાલ જીલ્લામાં ઓકસીજન તેમજ રેમડેસીવર ઇન્જેકશનની અછત ઉભી થઇ છે અસંખ્ય દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે અનેક સામાજિક સંસ્થાઓ રેપીડ ટેસ્ટ કેમ્પ અને કોરોના કેર સેન્ટર ચલાવે છે તો જીલ્લા વહીવટી તંત્ર કેમ ના કરી સકે જેથી ઓકસીજન, રેમડેસીવર ઇન્જેકશન અને રેપીડ ટેસ્ટ માટેની કીટ વધુ ફાળવાય તેવી સરકારમાં આપના કક્ષાએથી રજૂઆત કરવા માંગ કરી છે અન્યથા દર્દીઓના મોત થશે તો તંત્ર સામે હાઈકોર્ટમાં કાયદેસર કાર્યવાહી કરશું હાલ મોરબી જીલ્લામાં ભાજપના જુથવાદને કારણે પ્રજાના આરોગ્યને લગતી અનેક સમસ્યાનો સામનો કરે છે વી સી હાઈસ્કૂલમાં રેમડેસીવર ઇન્જેકશન વિતરણ ચાલુ હતું ત્યારે ભાજપના આગેવાનો દ્વારા મોટાપાયે ગોલમાલ કર્યાની ફરિયાદ પબ્લિક દ્વારા કરવામાં આવી હતી જેની આપની કક્ષાએથી તપાસ થવી જરૂરી છે.

(10:19 am IST)