કેશોદ એસટી બસ સ્ટેન્ડ પર નિરાશ પરીક્ષાર્થીઓથી ભીડ જામી
(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા.૩૦ : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોજીત જુનીયર કલાર્ક વર્ગ-૩ ની પરીક્ષા તા.૨૯/૧/૨૦૨૩ ના રોજ જૂનાગઢ જિલ્લાના ૭૯ પરીક્ષા કેન્દ્રો પર ૭૭૪ બ્લોકમાં યોજાવાની હોય ત્યારે જેમાં ૨૩,૨૨૦ ઉમેદવાર પરીક્ષા આપવાનાં હતાં એવામાં વહેલી સવારે પરીક્ષા રદ્દ કરી મોકૂફ રાખવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવતાં કેશોદ ખાતે પહોંચી ગયેલાં પરીક્ષાર્થીઓ નિરાશ થઈ ગયાં હતાં અને વહીવટી તંત્રની બેદરકારીનો ભોગ બનેલા બેરોજગાર પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. કેશોદ બસ સ્ટેન્ડ પર નિરાશ પરીક્ષાર્થીઓ પરત પોતાના વતન જવા બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતાં ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી. કોળી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. જે.પટેલ પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ ડાભી, રવિભાઈ ધોળકિયા, અમરાભાઈ જુજીયા સહિત પોલીસ કાફલો બસ સ્ટેન્ડ પહોંચી અવ્યવસ્થા ઊભી ન થાય તે માટે ખડેપગે હાજર રહ્યા હતાં.