સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th November 2019

મોંઘવારીની સીધી અસર પડવાથી આમઆદમીની મુશ્કેલીમાં વધારોઃ વિરજીભાઇ ઠુંમર

સાવરકુંડલા તા.૨૯: ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું છે કે, માત્ર ને માત્ર ચુંટણીલક્ષી એજન્ડા અને સત્તાનાં માધ્યમ દ્વારા CBI, એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ (ED) અને ઇન્ક્રમટેક્ષ (IT) જેવી એજન્સીઓનો બેફામ દૂ રૂપયોગ કરી વિરોધપક્ષોના નેતાઓ ઉપર ખોટા કેસો ઉભા કરી દેશમાં માત્રને ધાકધમકી ફેલાવવાનું કામ કરતી સરકારની અર્થતંત્રની અજ્ઞાનતાનાં કારણે અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયો ચિંતાજનક હદે નબળો પડવાની તથા મોંઘવારીમાં તેની સીધી અસર આમઆદમી ઉપર પડવાથી આમઆદમીની મુશ્કેલીમાં વધારો થવાની ભીતિ સેવાઇ રહી છે છતાં ચુંટણીઓ જીતવામાં ને સરકાર રચવામાં મશગુલ સરકારને દેશનાં અર્થતંત્રની કાંઇ પડી હોય તેમ જણાતું નથી.

ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે વધુમાં જણાવ્યું કે, ભારતીય રૂપિયો એશિયાની  એકમાત્ર ઉભરતી કરન્સી છે. વૈશ્વિક રેટીંગ એજન્સીઓના અહેવાલો અનુસાર ભારતીય કરન્સી 'રૂપિયા' માં ચાલુ ત્રિમાસિક ગાળા (ઓકટોબર થી ડિસેમ્બર)માં ઘટાડો થવાની પુરેપુરી શકયતાઓ દર્શાવી છે. કેમ કે, ચાલુ સપ્તાહ દરમિયાન પ્રસિધ્ધ થયેલા વૈશ્વિક અહેવાલો અનુસાર દેશની આર્થિક વૃધ્ધિ છેલ્લા છ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચવાનું અનુમાન દર્શાવાયું છે. ભારતીય રૂપિયો ચાલુ વર્ષે જુલાઇ મહિનાના ઉચ્ચ લેવલથી પાંચ ટકા નબળો પડી ચુકયો છે અને દેશનું જાહેર દેવાનંુ સ્તર વધતાં, તેમજ નોન-બેન્કીંગ ફાઇનાન્સ કંપની (NBFC) ઓના દેવાનાં બોજો હેઠળ એક પ્રકારની વેચવાલીનું ભારે દબાણ ઉભુ થયું છે અને જો તેમાં સુધારો નહીં થાય તો, દેશમાં મોંઘવારી વધી શકે છે અને મોંઘવારીમાં વધારો થતાં, આમઆદમીને જીવન જીવવું મુશ્કેલ બનશે જે વૈશ્વિક પરિબળોને સમજવામાં ગોથાં ખાતી મોદી સરકારના અણધડ આર્થિક પગલાંઓને આભારી રહેશે.

શ્રી ઠુંમરે વધુમાં જણાવ્યું કે, વૈશ્વિક રેટીંગ એજન્સી મુડી દેશમાં આર્થિક મંદી અનુમાન કરતા વધારે ઘેરી અને લાંબા સમય સુધી ચાલતા, ચાલુ મહિને દેશનું ક્રેડીટ રેટીંગ આઉટલુક ઘટાડીને નેગેટીવ કર્યુ છે તે બતાવે છે કે મોદી સરકાર દેશનો આર્થિક વૃધ્ધિ દર GDP ગ્રોથ જાળવી રાખવામાં સદંતર નિષ્ફળ નિવડી છે.

શ્રી ઠુંમર વધુમાં જણાવ્યું કે, દેશના ખ્યાતનામ અર્થશાસ્ત્રી ઇન્દ્રનીલ પાનના જણાવ્યાનુસાર વર્તમાન સમયમાં દેશ માટે સૌથી મોટુ જોખમ GDP (ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટ) ગ્રોથમાં નોંધપાત્ર ઘટાડાનું છે અને રાજકોષીય ઘટાડાના કારણે શકાય છે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયો હજુ વધુ નબળો પડી શકે છે. GDP ગ્રોથમાં ઘટાડો થવાથી વૈશ્વિક મુડીપ્રવાહ પણ મંદ પડી શકે છે.

શ્રી ઠુંમરે જણાવ્યું કે, ભારત પોતાની પેટ્રોલીયમ પ્રોડકટની જરૂરીયાતો પુરી કરવા ૮૦ ટકા ઉપરાંત આયાત કરે છે. આગામી દિવસોમાં રૂપિયો નબળો પડવાની શકયતાઓ જોતા, ઓઇલ માર્કેટીંગ કંપની (OMC)ઓ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ધરખમ વધારો ઝીંકી શકે છે. ડીઝલના ભાવો વધવાથી તમામ પ્રકારની ચીજવસ્તુઓ (માલસામાન)ની હેરફેર (ટ્રાન્સપોર્ટેશન) મોંઘી બનશે. જેથી મોંઘવારીમાં વધારો થશે, આ ઉપરાંત ભારત બહુ જ મોટા પ્રમાણમાં ખાદ્યતેલો (Edible oil) અને દાળની આયાત કરે છે ત્યારે રૂપિયો નબળો પડવાથી સ્થાનિક બજારોમાં ખાદ્યતેલો ઉપરાંત દાળોના ભાવોમાં પણ વધારો થઇ શકે છે.

શ્રી ઠુંમરે જણાવ્યું કે, વિદેશોમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓ ઉપર રૂપિયાની નબળાઇ બહુ મોટી વિપરીત અસર પાડી શકે છે અને તેથી વિદ્યાર્થીઓની ફીનો ખર્ચ અનેકગણો વધી જશે અને રોજિંદી વસ્તુઓ માટે વધારે કિંમત ચુકવવી પડશે. વિદ્યાર્થીઓ ઉપરાંત વિદેશ યાત્રા કરવા માંગતા દેશવાસીઓને પણ વધારે ખર્ચ ભોગવવાની નોબત આવશે. આમ, સરકારની અર્થતંત્ર બાબતની અજ્ઞાનતાની દેશની જનતાએ ભારે મોટી કિંમત ચુકવવી પડશે એ નિશ્વિત છે.

(1:08 pm IST)