સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th October 2020

સ્મૃતિ ઇરાનીને લીંબડીમાં સભા બાદ કોરોના પોઝીટીવ આવતા સ્થાનિક આગેવાનોમાં ચિંતા

પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી વાતો કરતા નજરે પડ્યા 'તા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૯: લીંબડી વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર કિરિટસિંહ રાણાના પ્રચાર અર્થે થોડા દિવસો પહેલા લીંબડી ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઈરાનીને જાહેર સભા યોજાઈ હતી ત્યારે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઈરાનીએ ટ્વીટરના માધ્યમથી પોતાને કોરોના પોઝીટીવ હોવાના મેસેજ વાયરલ કરતાં લીંબડી ભાજપના રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લીંબડી ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઈરાની જાહેર સભા દરમ્યાન ખુબ જ નજીકથી તેઓની સાથે સ્ટેજ પર મંત્રી આર.સી.ફળદુ, સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, ભાજપના હોદ્દેદારો શંકરભાઈ દલવાડી, જગદીશભાઈ મકવાણા સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં અને કેન્દ્રીય મંત્રીના સંપર્કમાં પણ આવ્યા હતાં અને પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી તેમની સાથે વાતો કરતા નજરે પડ્યા હતા.

આ અંગે કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઈરાનીએ ટ્વીટરના માધ્યમથી પોતાને કોરોના પોઝીટીવ આવ્યો હોવાનું જણાવ્યું હતું અને દરેક લોકો જે સંપર્કમાં આવ્યાં હોય તેઓને તાત્કાલીક કોરોનાનો રીપોર્ટ કરાવા આહવાન કર્યું હતું.

(12:45 pm IST)