સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th September 2022

અંજારના વરસાણા નજીક ટેન્કરોમાંથીસોયાબીન તેલ ચોરી લેવાના કૌભાંડનો પર્દાફાશ

નામચીન ભરત જરુના વાડા પર દરોડોઃ તેલ ભરેલાં બે ટેન્કરો સહિત ૧.૩૭ કરોડનો મુદ્દામાલ જપ્ત

અંજારઃ ભચાઉ નજીક ઉચ્ચ ગુણવત્તાવાળા આયાતી કોલસાને કાઢી લઈ હલકી ગુણવત્તાવાળા કોલસાના મિક્સીંગના કૌભાંડનો SMCએ પર્દાફાશ કર્યાં બાદ હવે અંજાર પોલીસે સોયાબીન ચોરીના કાંડનો પર્દાફાશ કર્યો છે. અંજાર પોલીસે વરસાણા ચોકડી પાસે આવેલા વાડામાં દરોડો પાડી ટેન્કરોના વાલ્વના સીલ તોડીને કેરબામાં કાઢી લેવાયેલાં ૭૩ હજારના સોયાબીન તેલ સાથે એક ટેન્કર ડ્રાઈવરની ધરપકડ કરી છે.

ભચાઉના છાડવારાના ભરત કરસન જરુ (આહીર)એ વરસાણા ચોકડી પાસે આહીર પ્લાયવુડ નજીક ટેન્કરોના ડ્રાઈવરોને ‘ફોડી’ને સોયાબીન ચોરી લેવાનો વાડો શરૂ કર્યો હોવાની બાતમી મળી હતી.

પોલીસે ગત સાંજે સવા સાતના અરસામાં ભરતના વાડા પર રેઈડ કરી હતી. વાડા બહાર સોયાબીન તેલ ભરેલાં બે ટેન્કર અને તેની આસપાસ કેટલાંક લોકો ઊભાં હતા. પોલીસને જોઈ સૌ નાસવા માંડ્યા હતા પરંતુ હરજી રાજા રબારી (રહે. નંદગામ, ભચાઉ) નામનો યુવક પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. હરજીએ પોલીસને જણાવ્યું કે તે કંડલાથી સોયાબીન ભરેલું ટેન્કર (નંબર GJ-12 AT-8398) લઈને ભીમાસર સીમમાં આવેલી લુઈસ કંપનીમાં જતો હતો. ટેન્કરમાંથી માલ કાઢી લેવા માટે ભરત આહીરના માણસ શંકર મારવાડીને ફોન કરીને હરજી વાડાએ ટેન્કર લઈને આવી ગયો હતો.

ટેન્કર પાસેથી પોલીસે ૩૫-૩૫ લિટર ક્ષમતાવાળા તેલ ભરેલાં બે કેરબા જપ્ત કર્યાં હતા. ટેન્કરના વાલ્વનું સીલ તોડીને તેલ કાઢી લેવાયું હતું. નજીકમાં પડેલાં એક અન્ય ટેન્કર GJ-12 Z-4708માંથી પણ સીલ તોડીને એક કેરબામાં ૩૦ લિટર જેટલું તેલ કાઢી લેવાયું હતું. આ ટેન્કર પણ કંડલાથી સોયાબીન ભરીને લુઈસ કંપનીમાં જતું હોવાનું બિલ્ટી પરથી સ્પષ્ટ થયેલું.

પોલીસને જોઈ ટેન્કર ડ્રાઈવર અને શંકર મારવાડી વગેરે નાસી છૂટ્યાં હતા. પોલીસે વાડામાં તપાસ કરતાં તેમાંથી ૩૫-૩૫ લિટરની ક્ષમતાવાળા સોયાબીન તેલ ભરેલાં વધુ ૧૨ કેરબા મળી આવ્યાં હતા. વાડાનો સંચાલક ભરત આહીર સ્થળ પર હાજર મળ્યો નહોતો.

પોલીસે વીસ-વીસ લાખની કિંમતના બે ટેન્કર, ટેન્કરોમાંથી કાઢી લેવાયેલું ૭૩ હજારના મૂલ્યના સોયાબીન ભરેલાં ૧૫ કેરબા, ટેન્કરોમાં સીલપેક રહેલું ૯૭ લાખનું સોયાબીન, એક મોબાઈલ ફોન વગેરે મળી કુલ ૧ કરોડ ૩૭ લાખ ૮૬ હજાર ૩૨૫ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી સૂત્રધાર ભરત જરુ, તેના માણસ શંકર મારવાડી, ઝડપાયેલાં ચાલક હરજી રબારી અને અન્ય ટેન્કરના અજ્ઞાત ચાલક મળી ચાર આરોપી સામે ગુનાહિત કાવતરું રચી, કંડલાથી દેશના અલગ અલગ ભાગમાં તેલ ભરીને જતાં ટેન્કરોના ચાલકો અને ખલાસીઓ સાથે મેળાપીપણું કરીને પોતાના આર્થિક ફાયદા માટે ટ્રાન્સપોર્ટર તેમજ કંપનીઓ સાથે વિશ્વાસઘાત કરી તેલની ચોરી કરવા બદલ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભરત જરુ અગાઉ પણ આવા કાંડમાં પોલીસ ચોપડે ચઢી ચૂકેલો નામચીન શખ્સ છે. આ વાડો લાંબા સમયથી ધમધમતો હતો. ભરતે અત્યારસુધીમાં લાખ્ખો રૂપિયાનું તેલ ચોરી લીધું હોવાની પોલીસને આશંકા છે.

(9:02 pm IST)