સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

જીવનમાં વિવેકાયુકત સમાનતા અપનાવો, ભેદભાવ નહીં, સદ્ભાવ અપનાવો : પૂજય ભાઇશ્રી

પોરબંદર હરિમંદિરે અધિક પુરૂષોતમ માસમાં શ્રીમદ્ ભાગવત કથા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૯: જીવનમાં વિવેકયુકત સમાનતા અપનાવો. ભેદભાવ નહીં, સદભાવ અપનાવો, સામાજિક વિષમતા નહીં, સામાજિક સમરસતા અપનાવો, એમ કથાકાર, પૂજય ભાઈશ્રી રમેશભાઈ  ઓઝાએ સોમવારે અધિક-પુરુષોત્ત્।મ માસના અગિયારમા દિવસે શ્રીમદ ભાગવત કથા- જ્ઞાનયજ્ઞનાં પ્રારંભે શ્રીહરિ મંદિર-પોરબંદર ખાતેથી જણાવ્યું હતું.

પૂજય ભાઈશ્રીએ જણાવ્યું કે આપણે વિકાસની યાત્રા માટેના પ્રયાસ કરીએ છીએ, પરંતુ વર્તમાનમાં પ્રકૃતિના શોષણનો માનવે જે માર્ગ અપનાવ્યો છે, તે માનવની યાત્રાને વિનાશ તરફ લઈ જાય છે કારણ કે માનવનું જીવન શાસ્ત્રસંમત રહ્યું નથી. પરિણામે, ભેદ અને સામાજિક વિષમતા જોવા મળી રહી છે ત્યારે કહેવું પડે કે જીવનમાં સમાનતાનો ભાવ રાખો, પરંતુ એ દૃષ્ટિયુકત-વિવેકયુકત સમાનતા હોવી જોઈએ. જેમ ચોખા-ઘંઉના અલગ-અલગ પ્રકાર છે, તેમ અગ્નિ પણ અલગ-અલગ છે ત્યારે આપણે વિવેકયુકત સમાનતા રાખવાની છે, પરંતુ કયારેય કોઈને સાથે ભેદભાવ નહીં, સદભાવ પ્રગટાવવાનો છે. સામાજિક વિષમતા નહીં, પરંતુ સામાજિક સમરસતા પ્રસરાવવાની છે.

પૂજય ભાઈશ્રીએ જણાવ્યું કે ઈશાવાસ્ય ઉપનિષદમાં આપણી સામાજિક, આર્થિક પ્રગતિનો માર્ગ દર્શાવ્યો છે કે ત્યાગીને ભોગવવું જોઈએ. માનવ જે અર્થોપાર્જન કરે તેમાં સમાજનો પણ અધિકાર છે. એકલો ખાય છે, તે પાપ ખાય છે. રામાયણમાં પણ દર્શાવાયું છે કે આપણે પરમાર્થ માટે જીવન જીવીએ તે શ્રેષ્ઠ છે. ધનનો સદુપયોગ ન કરીએ તો ધનહીન બની જવાય. શકિતનો સદુપયોગ ન થાય તો શકિતહીન બની જવાય. ભૌતિક પ્રગતિ અને તેનો પોષક એવું શિક્ષણ

માત્ર અર્થોપાર્જન અને સુખ-સગવડ જ વધારે, પરંતુ ધર્મયુકત સદાચાર અને નીતિમત્ત્।ા વધારે એવું શિક્ષણ મળે તો જ જીવન સાર્થક થાય અન્યથા માનવ અને પશુમાં કોઈ ભેદ ન રહે. માટે માનવદેહ મળે પછી જીવન પશુસમાન ન બનવું જોઈએ. શાસ્ત્રમાં શ્રદ્ઘા વધારવાનું કાર્ય વિજ્ઞાન કરે છે. જેમ કે વનસ્પતિમાં પણ જીવ છે, એનું પ્રમાણ આપણને વિજ્ઞાને આપ્યું એટલે શાસ્ત્રોના જ્ઞાનને સમર્થન મળે છે.

સાંદીપનિ વિદ્યાનિકેતનના ગૌતમભાઈ ઓઝાએ કથાનાં પ્રારંભે જણાવ્યું હતું કે આઠથી નવ તરફ જઈએ તો જીવનની ગતિ પૂર્ણત્વને પામે. એટલે કે અંગ્રેજી ભાષામાં લખીએ તો '૮' બે શૂન્ય લખાય ત્યારે આઠ અંક નિર્માણ પામે. જો એવું કહીએ કે આપણું જીવન આઠડા જેવું છે તો શ્રીમદ્ ભાગવત કથા દ્વારા આપણે નવ તરફ ગતિ કરવાની છે. નવનો આંક એટલે પૂર્ણત્વ. આઠ અંકમાં આવતા બે શૂન્ય અર્થાત્ જીવનમાં આવતા અનેક વળાંકો કે મીંડામાંથી કેવી રીતે બહાર આવવું? તેનું માર્ગદર્શન ગુરુજનોના સત્સંગ દ્વારા મળે છે.

(12:59 pm IST)