સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

કોઇ પણ કલા માત્ર ઇશ્વર માટે પ્રાપ્ત થાય તો એ હરિકથા છે : પૂ.મોરારીબાપુ

બીત ગઇ સો બીત ગઇ અબ બીતી ના બીતાય, એક પલક કે કારણ અપનો કો કલંક ન લગાય : લોકો માને છે કે મને રાગ દરબારી પ્રિય છે, પણ ખરેખર મારો સૌથી પ્રિય રાગ ભૈરવી છે, ભૈરવી ગવાય પછી ગાવાનું કશું શેષ રહેતું નથી

(શિવકુમાર રાજગોર) રાજુલા,તા. ૨૯: પ્રકૃતિએ જયાં પોતાની પરમ સંપદા પાથરી છે, તેવા શ્યામ-ધામ ખાતે, મા રુકિમણીની ગોદમાં બેસીને પરમ પ્રસન્નતાથી 'માનસ વૃંદા' ની ત્રીજા દિવસની કથાનો આરંભ પૂજય બાપુએ રસપૂર્ણ અને માર્મિક વાર્તાથી કર્યો. ધર્મ, અર્થ અને કામથી પરિપૂર્ણ એવા એક રાજાએ એક રાત્રે પોતાના મહેલમાં નર્તકીનાં નૃત્યનો કાર્યક્રમ ગોઠવ્યો. પોતાના ગુરુને પણ એ સમારંભમાં સાદર નિમંત્રિત કર્યા. તેમને સ્વર્ણ મુદ્રાઓથી ભરેલી થેલી આપી, જેથી બુદ્ઘ પુરુષ પોતાને યોગ્ય ત્યારે નર્તકીની કલાને દાદ આપી શકે. ત્રણે ગુણોથી પર થયેલા બુદ્ઘ પુરુષને તો શું ગ્રાહ્ય અને શું અગ્રાહ્ય? અસંગ અને સહુ સાથે પ્રમાણિક અંતર રાખીને જીવનારા જાગૃત સંત મહેફિલમાં બેઠા છે. રાજા, રાજકુમાર, રાજકુમારી અને સમગ્ર સભા નર્તકીનાં અદ્બૂત નૃત્યને માણી રહી છે. વિવિધ પ્રકારનાં વાદ્યોની સંગતમાં મગ્ન નર્તકી નૃત્ય કરી રહી છે. એવામાં એક તબલા વાદક તાલ ચૂકી જાય છે.અને નર્તકી ગાઈ ઊઠે છે કે -'બીત ગઈ સો બીત ગઈ અબ બીતી ના બીતાય એક પલક કે કારન અપનોંકો કલંક ન લગાય'

એ સાંભળતા જ સાધુ અશર્ફી ભરેલી થેલી ફેંકી દે છે. રાજકુમારી પોતાના ગળામાંથી નવલખો હાર કાઢીને ફેંકે છે અને રાજકુમાર પોતાનાં મસ્તક પરનો મુકૂટ ઉતારીને આપી દે છે.

પૂજય બાપુએ કહ્યું કે એક જ પંકિત સહુ માટે જુદા જુદા અર્થ સંકેત આપે છે. સાધુને વિચાર આવે છે કે પોતે આખી જિંદગી અલખની આરાધના કરી અને હવે જીવન યાત્રા પૂરી થવામાં છે, ત્યારે પ્રભુભજન કરવાને બદલે જીંદગીને આ રીતે કલંકિત કેમ કરાય?

રાજકુમારીએ રાત્રે મહેફિલ પૂરી થયા પછી પોતાની અશ્વશાળાના અશ્વપાલ સાથે ભાગી છૂટવાનો નિર્ણય કર્યો હોય છે. તેને પણ આ પંકિત ચોટ કરે છે કે આવી કલંકિત જિંદગી લઈને કયાં જવાનું? રાજકુમારે રાજગાદી પ્રાપ્ત કરવા માટે તે જ રાત્રે રાજાનો શિરચ્છેદ કરવાનું નક્કી કર્યું હોય છે. એને થાય છે પિતૃ-હત્યાનું કલંક શું કામ વહોરવું? - અને અંતે આ બધું સાંભળીને રાજાને પણ થાય છે કે હવે રાજગાદી ત્યજવી જોઈએ. તેથી તે યુવરાજને રાજય આપી દે છે. નર્તકીને પોતાને વિચાર આવે છે કે આટલી જિંદગી તો આ ગંદકીમાં વ્યતીત થઈ. હવે આવા બુદ્ઘ પુરુષ મળ્યા છે, તો આ કલંકિત વ્યવસાયનો ત્યાગ કરવો.

પૂજય બાપુએ કહ્યું કે કોઈ પણ કલા જો તે કેવળ ઈશ્વર માટે પ્રસ્તુત થાય તો તે હરિકથા છે.

આપણા શાસ્ત્રોમાં સ્કંદ પુરાણમાં તુલસીશ્યામના તપ્તકુડંનો ઉલ્લેખ છે. તે મુજબ આ કુંડમાં સ્નાન કરવાથી કલાકારનો તાલભંગ થતો નથી, ભજનાનંદીનો ભજનભંગ થતો નથી અને સગર્ભા માતાનો ગર્ભભંગ થતો નથી- એવું આ કુંડનું મહાત્મ્ય છે!

પૂજય બાપુએ કહ્યું કે - 'લોકો માને છે કે મને રાગ દરબારી પ્રિય છે, પરંતુ ખરેખર મારો સૌથી પ્રિય રાગ ભૈરવી છે.સામાન્ય રીતે ભૈરવી ગવાય પછી ગાવાનું કશું શેષ રહેતું નથી.'

બાપુએ માર્મિક રીતે જણાવ્યું કે રાગ પણ જો અંતે કૃષ્ણ તરફના અનુરાગમાં પરિણમે તો પછી બેડો પાર થઈ જાય.

આજની કથાનો પ્રારંભ કરતાં પૂ.બાપુએ દેવી પુરાણની શંખચૂડ રાક્ષસ અને રાજા ધર્મનંદનની પુત્રી રાજકુમારી તુલસીની પરમ સતિ વૃંદા અને જલંધરને મળતી આવતી કથા કહી.ભગવાન શિવ પાસેથી સદા અજય રહેવાનું વરદાન પામેલો રાક્ષસ શંખચૂડ શિવજીને યુદ્ઘ માટે લલકારે છે. ભગવાન શિવ પણ તેને હણી શકતા નથી, ત્યારે ભગવાન વિષ્ણુ સતિ તુલસી સાથે છળ કરે છે. તુલસી વિષ્ણુને શાપ આપીને તેને શીલા ખંડ બનાવી દે છે. અંતે ભગવાન વિષ્ણુ ધરાલોક પર સતિને તુલસીના છોડ રૂપે અવતરવાનું વરદાન આપે છે. અને કહે છે કે પ્રતિવર્ષ શાલીગ્રામ રૂપે ભગવાન એની સાથે વિવાહ કરશે. આજે પણ હિન્દુસ્તાનનાં ગામડે ગામડે, દેવઉઠી એકાદશીના દિવસે તુલસી અને ભગવાન શાલિગ્રામ સ્વરૂપે શ્યામના વિવાહનો ઉત્સવ ઉજવાય છે. પૂજય બાપુએ કહ્યું કે રામ જન્મ માટેના અલગ-અલગ કલ્પમાં અલગ અલગ કારણો હોઈ શકે પરંતુ હેતુ તો એકમાત્ર રામ જન્મનો જ છે.

પૂજય બાપુએ જણાવ્યું કે છળ કરવાથી વિષ્ણુનો દરજ્જો ઘટી ગયો અને તુલસીનો શ્રાપ સહેવો પડ્યો. શ્રાપ દેવાવાળા કરતા છળ કરવાવાળાનો દરજ્જો હંમેશાં ઉંચો રહે છે. શાપ દેવાવાળી તુલસી વનસ્પતિ રૂપે- ચેતન સ્વરૂપે - અવતરે છે. જયારે છળ કરનાર વિષ્ણુને જડત્વ ધરાવતા શીલા ખંડ તરીકે પ્રકટવું પડે છે. બાપુએ સુત્રાત્મક રીતે જણાવ્યું કે 'પ્રશંસાથી પીગળવું નહીં અને નિંદાથી અકળાવું નહીં.'

પૂજય બાપુએ જણાવ્યું કે આપણે ધૈર્ય રાખીએ તો અસ્તિત્વ આપણી જરૂરિયાત મુજબ આપે જ છે. સુંદરકાંડના ન્યાયે, એક જ પ્રસંગમાં ત્રણ વખત આપણને આ બાબત સમજાય છે. અશોક વાટિકામાં રાવણ મંદોદરી સાથે આવે છે અને તેને મારવા તલવાર ઉગામે છે. ત્યારે અશોક વૃક્ષ પર છુપાઈને બેઠેલા હનુમાનજીને એ જ તલવારથી રાવણને હણી નાખવા જેટલો ક્રોધ આવે છે.પરંતુ શ્રી હનુમાનજી ધૈર્ય ધારણ કરે છે. એ વખતે મંદોદરી રાવણને સીતાજી પર દ્યા કરતા અટકાવે છે. માતા સીતાને બચાવવા માટે અસ્તિત્વ મંદોદરીને મોકલે છે. એ જ રીતે રાવણની સભામાં રામદૂત હનુમાનનો વધ કરવા તૈયાર થયેલા રાવણને વિભીષણ અટકાવે છે. ત્રીજા પ્રસંગમાં ત્રિજટાને વાનર દ્વારા લંકાદહનનું સ્વપ્ન આવે છે. એને સાર્થક કરવા માટે અસ્તિત્વ રાવણને શ્રી હનુમાનજીનું પૂંછ સળગાવવાની પ્રેરણા આપે છે. અને રાવણ જ લંકાદહનનું માધ્યમ બને છે. કયારે, કયાં, કયા કામ માટે, કોની પસંદગી કરવી એનો નિર્ણય ખુદ અસ્તિત્વ જ કરે છે.

આ રીતે કલ્પભેદે વિવિધ કથાઓનું સર્જન થાય છે. ખરેખર તો વૃંદા અને જલંધર બન્ને ગોલોકની ગોપીઓ જ છે. સુદામ નામના ગોપને ગોલોકની અધિષ્ઠાત્રી રાધેજુના શ્રાપથી જલંધર બનવું પડે છે.

આમ, રામ જન્મનાં પાંચ કારણો પૈકીનું એક કારણ વૃંદા અને જલંધરની કથા છે, એમ કહીને સંકીર્તન સાથે પૂજય બાપુએ આજની કથાને વિરામ આપ્યો હતો.

(11:40 am IST)