સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

જસદણ સરકારી હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૨૯ : જસદણ પંથકમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે એકધારો વધી રહ્યો છે ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર માટે જસદણ શહેરની સરકારી હોસ્પિટલમાં પંદર દિવસ પહેલા ૨૫ બેડની શરૂ થયેલ કોવિડ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદ રૂપી સાબિત થઈ છે.

જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો આર.એમ.મૈત્રી ના જણાવ્યાં મુજબ ૧૫/૯ના રોજ કોરોના સંક્રમીત દર્દીઓની સારવાર અર્થે જસદણ સરકારી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલ કોવિડ સેન્ટરમાં અનુભવી ડો. તાવિયા ખાનગી હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડો. મયુરભાઈ ભુવા તેમજ ડો.ભરતભાઈ ભેટારીયાની સૂચના અને દેખરેખ  હેઠળ અત્યાર સુધીમાં ૬૦ દર્દીઓને સારવાર આપી છે જેમાં ૨૬ દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી અને ૧૨ દર્દીઓને વધુ સારવારની જરૂરીયાત  જણાતા રાજકોટ ખાતે રીફર કરવામાં આવેલ છે રાજકોટ રીફર કરવાપાત્ર દર્દીને રસ્તામાં મુશ્કેલી ન પડે તે માટે ઓકિસજન સાથેની અદ્યતન એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે તમામ દર્દીઓને પૂરતી સારવાર મળી રહે તે માટે પૂરતા આયોજન સાથે સવાર - સાંજ પૌષ્ટિક નાસ્તો અને બપોરે - રાત્રે શુદ્ઘ સાત્વિક ભોજન આપવામાં આવે છે હોસ્પિટલમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પૂરતી કાળજી રાખવામાં આવી છે જસદણ આરોગ્ય વિભાગના તાલુકા સુપરવાઈઝર જીતુભાઈ પટેલ તેમજ હિતેષભાઈ મેતા સહિતની આરોગ્ય વિભાગની ટીમ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તત્પરતા દાખવી રહ્યા છે. કોવિડ સેન્ટરમાં નર્સિંગ સ્ટાફના ઈન્ચાર્જ ભાવનાબેન પિઠાયાના દેખરેખ હેઠળ તમામ દર્દીઓની સાર સંભાળ માટે  પારિવારીક પ્રકારે સારવાર મળી રહે તે માટે કુશળ વિનયી નર્સિંગ સ્ટાફને સતત દર્દીઓની સેવા માટે કાર્યરત રાખવામાં આવ્યો છે દર્દીઓની સેવા તેમજ દર્દીના પરિવારજનોની સગવડતા માટે કંટ્રોલ રૂમની જવાબદારી જયવિરભાઈ જાડેજા અને પરશુરામભાઈ કુબાવત સંભાળી રહ્યાં છે

 જસદણ સરકારી હોસ્પિટલમાં લેબ ટેકનીશીયન તરીકે સેવા આપતા આસ્તિકભાઈ મહેતા ના જણાવ્યા  અનુસાર દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે રાજકોટની ભટ્ટ લેબ સાથે સંકલન કરી મહત્વના જણાતા લેબોરેટરી રિપોર્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.

કોરોના મહામારી ની શરૂઆતથી જ સક્રિય એવી જસદણ શહેરની સેવાભાવી સંસ્થા નિસ્વાર્થ સેવા સમિતિના પ્રમુખ મેહુલભાઈ સંઘવી જસદણ સરકારી હોસ્પિટલની રોજીંદી મુલાકાત લઈ કોરોના સંક્રમીત દર્દીઓ અને તેમના પરિવારજનોને મદદરૂપ થવા માટે કામગીરી રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દી હરપીભાઈ ધાધલ  જણાવ્યું હતું કે અહીંની હોસ્પિટલમાં કોરોનાની સારી સારવારને લીધે હું સ્વસ્થતા તરફ જઈ રહ્યો છું. જસદણ પ્રાંત અધિકારી પી. જે. ગલચર પણ સતત સુપરવિઝન કરી રહ્યા છે. જસદણ સરકારી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં કોરોના સંક્રમીત દર્દીઓને પૂરતા પ્રમાણમાં સારવાર મળતા દર્દીઓ માટે આશીર્વાદ રૂપી સેવા સાબિત થતા શહેરીજનોમાં રાહતની લાગણી પ્રસરી છે.

(11:35 am IST)