સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th August 2018

વઢવાણમાં એક જ રાતમાં ૮ ઘરના તાળા તુટયાઃ ૭ લાખની ચોરી

રક્ષાબંધન અને જન્માષ્ટમીની ઉજવણી માટે વતન ગયેલા લોકોના મકાનને નિશાન બનાવતા તસ્કરો

વઢવાણ તા.૨૯: સુરેન્દ્રનગરમાં એક તરફ લોકો તહેવારોની ઉજવણી કરવાના મુડમાં છે. અને આથી જ ઘણા લોકો પોતાના મકાન બંધ કરી રક્ષાબંધન કે જન્માષ્ટમીની ઉજવણી કરવા વતન ગયા હતા. આ બાબતનો લાભ લઇ વઢવાણમાં એક જ રાતમાં અંદાજે આઠ ઘરમાં તસ્કરોએ અંદાજે રૂ. ૭ લાખની મત્તાનો સફાયો કરી લીધો હતો. તસ્કરોનું પગેરું દબાવવા માટે પોલીસે દોડધામ શરૂ કરી છે. પરંતુ કોઇ મહત્વની કડી મળી નથી.

મુળચંદ માર્ગ પર આવેલી બજરંગ ૧-ર તેમજ ઉત્સવ પાર્કમાં વિસ્તારના મકાનો તે તસ્કરોએ ધમરોળ્યા હોવાની રાવ સાથે રહીશોમાં રોષ ફેલાયો હતો. સુરેન્દ્રનગર ટી.બી. હોસ્પિટલના મેડિકલ સ્ટોરના મનોજભાઇ પી. દવેના મકાનમાં, પેટ્રોલ પંપમાં કામ કરતા ભાવીનભાઇ મગનભાઇ દેવમોરારીના મકાનમાં, લલીતભાઇ, પાર્થ, સાંન્તી સહિત અંદાજે ૮ જેટલા ઘરોમાં બારણાઓના નકુચાઓ તેમજ તાળા તસ્કરોએ તોડયા હતા. ત્યારબાદ ઘરમાં રહેલી તીજોરીઓ સહિતના સ્થળોને વેરણ-છેરણ કરી મુકીને ચોરીને અંજામ આપી રોકડ રકમ, સોના-ચાંદીના ઘરેણા સહિત અંદાજે રૂ. ૭ લાખના મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. જયારે ચોરી કર્યા બાદ તસ્કરોએ પાણીના બાટલાઓ કેટલાક મકાનના તાળા મુકી રાખ્યા હતા. ભોગ બનેલા મકાનોના કેટલાક રહીશો જન્માષ્ટમી તેમજ રક્ષાબંધન કરવા ગયા હોયને તસ્કરો દ્વારા ચોરી થતા રહીશોએ પોલીસને જાણ કરી હતી. આ ઘટનાથી પીએસઆઇ પી.આર. સાગર એમ.બી. મકવાણા,વી.ડી. રાઠોડ સહિત ની ટીમ બનાવ સ્થળે પરત જઇને સાચી હકીકત જાણવા તપાસ શરૂ કરી છે.(૧.પ)

ભુખ્યા તસ્કરોએ ફ્રિજમાંથી નાસ્તો કર્યોં

રાત્રે અંદાજે ૮ મકાનોને નિશાન બનાવવાની સાથે તસ્કરો જાણે ભુખ્યા થયા હોય તેમ કેટલાક મકાનોના ફ્રિઝ ખોલી નાખ્યા હતા.

ત્યારબાદ તેમા પડેલો નાસ્તો કરીને ત્યાંજ મુકી દીધો હતો. મકાન માંથી પડિકાના ખાલી રેપર મળ્યા હતા.(૧.૫)

(11:54 am IST)