સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th July 2021

જામનગરના શૈલેષભાઇએ સ્કૂલવેનમાં જ વેફર -ફરસાણનું વેચાણ શરૂ કરી દીધું !

કોરોનાના કપરા સમયમાં સ્કૂલવેન બંધ થતા ફરી બન્યા આત્મનિર્ભર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર,તા. ૨૯ : કોરોનાના કપરા કાળ વચ્ચે અનેક લોકો પોતાના ધંધા રોજગારની મંદીના મારથી ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે જામનગરમાં છેલ્લા સાત વર્ષથી સ્કૂલ વેન નો વ્યવસાય કરી ગુજરાન ચલાવતા શૈલેષભાઈ કુબાવતે શાળા કોલેજ બંધ થતાં વેફર ફરસાણનું વિતરણ શરૂ કરી નવા ધંધા થકી આત્મનિર્ભર બની રહ્યા છે.

રણજીતસાગર રોડ પર સિદ્ઘિવિનાયક પાર્કમાં રહેતા શૈલેષભાઈ કુબાવતના પરિવારમાં ૪ સભ્યો છે. પતિ શૈલેષભાઇ પોતાના પત્ની દક્ષાબેન સાથે દેવાંગ અને દર્શન નામના બન્ને બાળકો સાથે રહે છે. જેમાં દેવાંગ જિંદગી ના મહત્વના પડાવ ધોરણ-૧૦ માં અભ્યાસ કરતો હતો દર્શન પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂર્ણ કરી માધ્યમિક વિભાગમાં પ્રવેશ કર્યો છે. બંને બાળકોના અભ્યાસ અને પરિવારના ગુજરાનની ચિંતા કરતા પરિવારના આધારસ્તંભ સમાન શૈલેષભાઈ અગાઉ સાત વર્ષ સુધી જ્ઞાનગંગા સ્કૂલ માં વિદ્યાર્થીઓને ત્રણ ફેરા કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. ૫૦ થી ૭૦ જેટલા વિદ્યાર્થીઓને શાળાએ પહોંચાડી અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાળાએથી ઘર સુધી પહોંચાડીને મહિને ૧૨ થી ૧૫ હજાર રૂપિયા જેટલી આવક મેળવતા હતા.

કોરોનાની કપરી પરિસ્થિતિઓમાં શાળાઓમાં અભ્યાસ બંધ થતાં હવે પરિવારના મોભી શૈલેષભાઈ કુબાવતે પોતાની સ્કૂલ વેનને જ વેફર, ફરસાણની ભરીને સરુ સેકશન રોડ ઉપર પણ ધામા નાખ્યા છે. યા છૂટક વેફર અને ફરસાણની જુદી જુદી ૧૫ થી ૧૭ જેટલી વેરાયટીઓ વેચી રહ્યા છે.

આ વેપારથી મહિને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પહેલાની માફક મહિને ૧૨ થી ૧૫ હજાર જેટલો નફો મેળવી આત્મનિર્ભર બન્યા છે અને મહેનત થકી કોરોનામા અન્ય ધંધા-રોજગાર બંધ થયેલા લોકો માટે પણ સ્કૂલ વેન ટી ફરસાણના ધંધાની અપનાવી નવી કેડી કંડારી છે તે પ્રેરણાસ્ત્રોત સમાન છે.

જામનગરના શૈલેષભાઈ નામના સ્કૂલ વેન ચલાવતા વ્યકિતએ પોતે પોતાનો વ્યવસાય બંધ થતાં આફતને અવસરમાં પલટી અન્ય લોકો માટે પણ પ્રેરણા આપી છે અને પોતે પણ કોરોના ની કપરી પરિસ્થિતિમાં પણ જાતે જ આત્મનિર્ભર બન્યા છે. (તસ્વીરઃ  કિંજલ કારસરીયા, જામનગર)

(1:00 pm IST)