સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th June 2022

જામનગરની સેવાભાવી સંસ્‍થા હરીદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્‍ટ તેમજ કેદાર લાલ ફાઉન્‍ડેશન દ્વારા ‘અંગદાન' જાગૃતિ અભિયાન

બંને ટ્રસ્‍ટ દ્વારા ‘અંગદાન' સંદર્ભે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોમાં જાગૃતિ લાવવા માટેના ભગીરથ પ્રયાસથી બનશે એક જન અભિયાન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૯ : જામનગરની સેવાભાવી સંસ્‍થા શ્રી હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્‍ટ તેમજ કેદાર લાલ (કેદાર જીતેન્‍દ્ર લાલ) ફાઉન્‍ડેશન દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ ચલાવવામાં આવી રહી છે, તેની સાથોસાથ ‘અંગદાનથી જીવનદાન' નામક વધુ એક જન અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોમાં અંગદાન બાબતે જાગૃતિ લાવવાના ભાગ રૂપે બન્‍ને ટ્રસ્‍ટ દ્વારા ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, અને ‘અંગદાનથી જીવનદાન' એક જનઅભિયાન બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

અંગદાન ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રયાસને લીધે જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક સમય દરમિયાન અંગદાનના ચાર કિસ્‍સાઓ બન્‍યા છે. જામનગરની એક યુવતી સહિત ચાર વ્‍યક્‍તિઓ બ્રેન્‍ડેડ થઈ હતી, અને તેઓના અંગોનું દાન કરીને અનેક લોકોને નવજીવન અપાયું છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતાને પણ એચ.જે. લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા કેદાર લાલ ફાઉન્‍ડેશન દ્વારા અંગદાન બાબતે જાગૃતિ લાવવા માટેનો અનુરોધ કરાયો છે, અને ‘અંગદાનથી જીવનદાન'ને એક જનઅભિયાન બનાવવા અપીલ કરી છે. જીવિત વ્‍યક્‍તિઓ રક્‍તદાન તેમજ પોતાના કેટલાક અવયવો આંખ, કિડની, લીવર વગેરે અંગોનું જીવિત અવસ્‍થામાં જ દાન કરી શકે છે, અને તેની શરીર પર કોઈ અસર રહેતી નથી, પરંતુ અન્‍ય વ્‍યક્‍તિને પોતે પોતાના બે અવયવો પૈકીનું એક અવયવનું દાન આપીને અન્‍ય જરીયાતમંદ વ્‍યક્‍તિને જીવનદાન આપી શકે છે.આ ઉપરાંત કોઈના પરિવારમાં અકસ્‍માતની ઘટના બની હોય, અને તે વ્‍યક્‍તિ બ્રેઇન્‍ડેડ થાય તેવી અવસ્‍થામાં તેના કેટલાક અવયવો ચાલુ રહે છે, જે અવયવોનું અંગદાન કરીને અન્‍ય જરૂરિયાતમંદ વ્‍યક્‍તિઓને જીવનદાન આપી શકે છે. બંને ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી  અશોકભાઈ લાલ તથા ટ્રસ્‍ટી જીતુભાઈ લાલ દ્વારા જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતાને વિશેષરૂપે અપીલ કરવામાં આવી છે. ઉપરોક્‍ત બશે સંસ્‍થા દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકાની જનતામાં વધુમાં વધુ જાગૃતિ આવે, અને અંગદાન જેવી પ્રવૃત્તિને જનઅભિયાન બનાવી જરૂરિયાતમંદ લોકોને જીવન દાન આપવામાં મદદરૂપ બની શકાય તેવી નમ્ર અપીલ કરવામાં આવી છે.

(1:52 pm IST)