સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th June 2022

માનસરથી નારણકા વચ્‍ચેનો રસ્‍તો બિસ્‍માર હાલતમાં: અંડરગ્રાઉન્‍ડ કેનાલ પુર્ણ થયા બાદ પણ ગાબડા યથાવત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૨૯: મોરબી તાલુકાનાં માનસર અને નારણકા ગામ વચ્‍ચેના રસ્‍તાની હાલત બિસ્‍માર હાલતમાં જોવા મળે છે ગોર ખીજડીયા, વનાળીયા નારણકા, માનસર સહિતના ગામોના સંરપંચોએ તા.૨૪-૦૩-૨૦૨૨ના રોજ માર્ગ અને મકાન વિભાગ મોરબીના કાર્યાલય ઇજનેરને લેખિત રજુઆત કરી વાવડીના પાટીયાથી નારણકા સુધી ડામર પટ્ટી રોડ પેચવર્ક કરવા માંગ કરાઇ હતી. પરંતુ આજ દિવસ સુધી રોડનું પેચવર્કનું કામ ન થતાં માળિયાથી મોરબી સુધી રોજ અપડાઉન વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

તા.૨૪-૦૩-૨૦૨૨ની સંરપંચોની રજૂઆત બાદ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ જયંતિભાઇ પડસુંબિયાએ રોડને રિપેર કરાવવા તસ્‍દી લીધી હતી. અને તા.૦૭-૦૫-૨૦૨૨ના રોજ વાવડીના પાટીયાથી વનાળીયા સુધીના રોડનું પેચવર્ક કામ હાથ ધર્યું હતું. અને નારણકા-માનસર વચ્‍ચેના રોડના પેચવર્કનું કામ જાણે ન કરવા જેવું લાગ્‍યું હોય તેમ છોડી દીધું હતું. ત્‍યારબાદ આ અંગે નારણકા ગામના સરપંચે મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ કામ ન થતાં વરસાદી માહોલમાં મસમોટા ગાબડાંમાં અકસ્‍માત સર્જાય તેવી શક્‍યતા સેવાઇ રહી છે. ૩ વર્ષ અગાઉ નારણકા અને માનસર ગામ વચ્‍ચે પસાર થતાં આ રોડમાં મચ્‍છુ-૩ નંબરની અંડરગ્રાઉન્‍ડ કેનાલ પસાર થય હતી. જે મંજુરી લઈને રોડનું ખોદકામ કર્યું હતું. પરંતુ ત્‍યારબાદ આજ દિવસ સુધી તેમણે પણ કેનાલનું કામ પુર્ણ કરી રોડ ઉપર માત્ર માટી નાખી ખાડાની હાલતમાં છોડી દેવામાં આવ્‍યો છે જેથી અહીંથી પસાર થતા વાહનચાલકો માથે સતત અકસ્‍માતનો ભય તોળાઈ રહ્યો છે.

(1:36 pm IST)