સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th June 2022

શ્રી લોયણ માતાજીનાં આટકોટ ખાતે આવેલા વિશ્વના એકમાત્ર મંદિરે અષાઢી બીજ મહોત્‍સવનું ભવ્‍ય આયોજન

સમસ્‍ત લુહાર સમાજના કુળદેવી : દેશ-વિદેશમાં વસતા લુહાર સમાજના લોકો અષાઢી બીજ નિમિતે હજારોની સંખ્‍યામાં આટકોટમાં ઉમટી પડશેઃ આયોજકો દ્વારા તૈયારીને અપાયો આખરી ઓપઃ જ્ઞાતિજનોમાં ભારે ઉત્‍સાહ

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ૨૯: સમસ્‍ત લુહાર-સુથાર જ્ઞાતિના કુળદેવી શ્રી લોયણ માતાજીના જન્‍મ સ્‍થળ આટકોટ ખાતે આવેલા વિશ્વના એક માત્ર મંદિરે અષાઢી  બીજ નીમીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજનું પર્વ ધામધામથી ઉજવવામાં આવશે. જેમાં વિવિધ ધાીર્મક કાર્યક્રમનું મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્‍યું છે. આ મહોત્‍સવમાં દેશ-વિદેશથી લુહાર-સુથાર સમાજના લોકો મોટી સંખ્‍યામાં આવતા હોય ટ્રસ્‍ટી મંડળ દ્વારા તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે.

ઇતિહાસના પાને મહાસતી શ્રી લોયણ માતાનો ઇતિહાસ જોઇએ તો શ્રી લોયણ માતાનો જન્‍મ આટકોટ ખાતે સવંત ૧૪૪૮ માં પવિત્ર શ્રાવણ માસમાં જન્‍માષ્‍ટમીના શુભ દિને માતા રૂડીબાઇના કુખે થયો હતો.

માતા રૂડીબાઇ અને પિતા ધનજીભાઇ અત્‍યંત ધર્મ-પારાયણી હતા તેઓ સાધુ-સંતોની સેવા ચાકરીમાં જ તેમનો સમય વિતાવતા હતા. તેમની સેવા ચાકરીના ફળ સ્‍વરૂપે અને ગીરનારી બાવાશ્રી બુધ્‍ધગીરીબાપુના વરસાદનથી તેમને ત્‍યાં મહાસતી શ્રી લોયણ માતાજીનું પ્રાગટય થયું.

આ વાતનો ઉલ્લેખ લુહાર સમાજનાં અને ઇતિહાસના પાને ઉલ્લેખ છે જેમાં જણાવવામાં આવ્‍યું છે તે મુજબ શ્રી બુધ્‍ધગીરી બાપુ ગરવા ગીરનારની ગોદમાં આવેલા શ્રી બોરદેવી માતાના મંદિરના પુજારી હતા. પીઠવા પરીવારનાં ધનજી ભગત અને તેમના પત્‍નિ રૂડીબાઇની સેવા-ચાકરી જોઇ  તેમણે આશીર્વાદ આપેલા કે માતા બોરદેવી પોતે જ તમારે ત્‍યાં દિકરી સ્‍વરૂપે અવતાર લેશે. આમ માતા રૂડીબાઇની કુખે આટકોટ ખાતે શ્રી લોયણ માતાજીનું  પ્રાગટય થયું. શ્રી લોયણ માતાજી પણ નાનપણથી જ માતા-પિતા સાથે સાધુ-સંતોની સેવામાં અને ભોજન-ભજનમાં મસ્‍ત બની પ્રભુ ભકિતમાં લાગી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે  શ્રી લોયણ માતાજીએ આટકોટના પ્રતાપી રાજા શ્રી લાખા ફુલાણીને ગુરૂજ્ઞાન આપી અનીતીના માર્ગેથી પાછા વાળી ધર્મના માર્ગે ચડાવ્‍યા હતા.

હાલ આટકોટના પાદરમાંથી પસાર થતી ભદ્રાવતી (ભાદર) નદીનાં કિનારે સમાજના સહયોગથી શ્રી લોયણ માતાનું વિશાળ મંદિર પણ બનાવવામાં આવ્‍યું છે.

પ્રતિ વર્ષ દેશભરમાંથી અષાઢી બીજના દિવસે સમાજનાં લોકો અહી હજારોની સંખ્‍યામાં આટકોટ આવી કુળદેવીના ચરણે શીશ નમાવે છે.

છેલ્લા થોડા વર્ષોમાં વિશ્વના એક માત્ર આટકોટ ખાતે આવેલા શ્રી લોયણ માતાજીના મંદિરનો જીર્ણોધ્‍ધાર કરી દર્શને આવતા દર્શનાર્થીઓ માટે ટ્રસ્‍ટી મંડળ દ્વાા અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં વિશાળ ભોજનશાળા, સત્‍સંગ હોલ તેમજ ઉતારા માટે પણ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

આગામી શુક્રવાર તા.૧ જુલાઇના રોજ અષાઢીબીજ નિમિતે ટ્રસ્‍ટી મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં સવારથી યજ્ઞનો પ્રારંભ થશે. બપોરે બીડુ હોમાશે ત્‍યાર બાદ ફરાળ, બપોરે બે વાગ્‍યે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરેથી વિશાળ શોભાયાત્રા નિકળશે. જે ગામના રાજમાર્ગો ઉપર ફરી મંદિરે પરત ફરશે બાદ ધ્‍વજારોહણનો કાર્યક્રમ યોજાશે. બાદમાં મહાપ્રસાદ અને રાત્રે સંતવાણી યોજાશે. વચ્‍ચે મંદિરમાં સહયોગ આપનારા દાતાશ્રીઓનું સન્‍માન પણ યોજાશે.

આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્‍ટના પ્રમુખ જે.પી.રાઠોડ (જયંત એન્‍જીનીયરીંગ જસદણ) ઉપપ્રમુખ રમેશભાઇ ડોડીયા, ટ્રસ્‍ટી ચંદુભાઇ વાઘેલા, રામજીભાઇ પરમાર, ભરતભાઇ મકવાણા તેમજ સમાજના આગેવાનો મનસુખભાઇ સોલંકી, યોગેશભાઇ સોલંકી, ભરતભાઇ મારૂ, વિલાસભાઇ પીત્રોડા, મંગેશભાઇ મીષાી બધા રાજકોટ તેમજ મોરબીના ગોપાલભાઇ  મારૂ, નરસીભાઇ પીત્રોડા, મનસુખભાઇ રાઠોડ સહીત આટકોટ-જસદણ પંથકના જ્ઞાતિજનો જહેમત ઉઠાવી રહયા છે.

આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ટ્રસ્‍ટી મંડળ તેમજ સમાજ શ્રેષ્‍ઠીઓએ યાદીમાં જણાવ્‍યું છે.

(11:39 am IST)