સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th June 2022

હળવદના રણમલપુર ગામે તળાવમાં માછલીઓના ટપોટપ મોત

જીવદયા પ્રેમી ગ્રામજનો દ્વારા ટ્રેકટર ભરીને મૃત માછલીઓને રણમાં દફનાવી

(દીપક જાની દ્વારા) હળવદ તા. ૨૯ : તાલુકાના રણમલપુર ગામે આવેલા તળાવમાં આજે ભેદી રીતે નાની-મોટી અસંખ્‍ય માછલીઓના ટપોટપ મોત નિપજતા જીવદયા પ્રેમી ગ્રામજનોમાં અરેરાટી વ્‍યાપી જવા પામી છે, મોટી સંખ્‍યામાં માછલીઓના મૃત્‍યુ નિપજતા ગ્રામજનો દ્વારા મૃત માછલીઓને ટ્રેક્‍ટરની ટ્રોલીમાં ભરી રણ વિસ્‍તારમાં દફનાવવામાં આવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે શક્‍તિ માતાજીના મંદિર પાસે વિશાળ તળાવ આવેલ છે આ તળાવ માત્રને માત્ર જીવદયાના ઉદેશ્‍ય માટે હોય ગ્રામજનો દ્વારા સામુહિક રીતે અહીં નાહવા અને કપડાં ધોવાની મનાઈ ફરમાવી માત્રને માત્ર પશુઓના પિયાવા માટે તેમજ માછલી સહિતના જળચરો માટે અનામત રાખવામાં આવ્‍યું છે અને દરરોજ માછલીઓને ગ્રામજનો દ્વારા ખોરાક પણ આપવામાં આવે છે ત્‍યારે આજે અચાનક જ માછલીઓના ટપોટપ મૃત્‍યુ નિપજતા ગ્રામજનોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, રણમલપુરમાં અસંખ્‍ય માછલીઓના અચાનક મોતને પગલે ગ્રામજનો અને આગેવાનો દ્વારા સંબંધિત વિભાગોને જાણ કરી જળચર જીવોના મૃત્‍યુનું કારણ બહાર લાવવા અને હવે તળાવમાં બાકી બચેલી માછલીઓ મૃત્‍યુ ન પામે તે માટે તાકીદે પગલાં ભરવા માંગ પણ ઉઠાવી છે.

દરમિયાન આજે આ તળાવમાં અચાનક જ ભેદી રીતે એક પછી એક અનેક માછલીઓના ટપોટપ મૃત્‍યુ નિપજતા ગ્રામજનો એકત્રિત થઇ ગયા હતા અને વિશાળ કદની મૃત માછલીઓને તળાવ બહાર કાઢી ટ્રેકટરની ટ્રોલી ભરી નજીક રણ વિસ્‍તારમાં દફનાવી દેવામાં આવી હતી. આ ઘટનાથી ગ્રામજનોમાં અરેરાટી વ્‍યાપી ગઈ છે.

(10:33 am IST)