સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th June 2022

મોરબી પોલીસે વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરવા હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

ગેરકાયદેસર વ્યાજવટાવનો ભોગ બનેલા લોકો સંપર્ક કરી માહિતી આપી શકે

મોરબી જિલ્લામાં વસતા કેટલાક લોકો વ્યાજ વટાવનો ચક્રમાં ફસાયેલ હોય અને તેઓ ગેરકાયદેસર વ્યાજખોરો પાસેથી મજબૂરીના કારણે ઉંચા વ્યાજદરે મોટી રકમ લેતા હોય છે અને થોડો સમય ઉંચુ વ્યાજ ભરી પછી વ્યાજ આપવાની ક્ષમતા હોતી નથી,અને ભયના કારણે તેઓ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ અરજી કે રજુઆત કરવા જતા પણ ડરતા હોય છે. ત્યારે વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરવા પોલીસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.

હાલ મોરબી પોલીસના 93168 47070 નંબર પર પીડિત પોતાની ફરિયાદ જણાવી શકે છે. આ મુદ્દે પોલીસની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર પીડિતે નાણા ધીરધાર માન્યતા પ્રાપ્ત સંસ્થા કે બેન્ક સિવાય કોઇપણ પાસેથી લેણદેણ કરવી જોઇએ નહી છતાં કોઇ ગેરકાયદેસર વ્યાજવટાવના ધંધાર્થીના ચક્રમાં ફસાયેલ હોય અને તેઓની રજુઆત સાંભળવા અને તાત્કાલીક નિરાકરણ લાવવાના હેતુથી અત્રેથી આ 93168 47070 હેલ્પ લાઇન નંબર જાહેર કર્યા છે. જેમાં ગેરકાયદેસર વ્યાજવટાવનો ભોગ બનેલા લોકો સંપર્ક કરી માહિતી આપી શકે છે. તેવી મોરબી પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

(12:57 am IST)