સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th June 2018

વેરાવળમાં ચોકલેટની લાલચ આપતી મહિલાને બાળક ચોર ગેંગની સદસ્ય સમજીને લોકોઅે પકડી પાડીને રૂમમાં પુરી દીધી

વેરાવળઃ વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં એક શંકાસ્પદ મહિલા ઝડપાઇ હતી. બાળક ઉઠાવી જવાની શંકાના આધારે સ્થાનિક લોકોએ મહિલાને મકાનમાં પૂરી દીધી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં 3 મહિલાઓ આવી હતી. જે બાળકોને ચોકલેટની લાલચ આપી લઇ જવાની કોશિશ કરતી હતી, પરંતુ છોકરાએ બુમો પાડતા 2 મહિલા ફરાર થઇ ગઇ, જ્યારે એક મહિલા ઝડપાઇ. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મહિલાની વધુ પૂછપરછ હાથ ધરી. હવે પોલીસની પુછતાછ બાદ જ ખબર પડશે કે, આ મહિલા કોણ છે, અને તે કયા ઈરાદા સાથે અહીં આવી છે.

સ્થાનીક યુસુફભાઈએ જણાવ્યું કે, બાળકો બહાર રમતા હતા, ત્યારે ત્રણ અજાણી મહિલાઓ આવી અને બાળકોને ચોકલેટ આપી લઈ જઈ રહી હતી, તો એક છોકરાએ બુમો પાડતા મહિલાઓ ભાગવા લાગી, જેમાંથી એક મહિલાને બધાએ પકડી અહીં રૂમમાં બેસાડી પોલીસને જાણ કરી.

બુમ પાડનાર છોકરાએ જણાવ્યું કે, મારા મિત્રને ચોકલેટ આપી કહેતી કે ચાલ મારી સાથે, પછી મારી પાસે આવી મને ચોકલેટ આપી કહેવા લાગી કે તને લઈ જઈશ, તો હું બુમો પાડી ભાગ્યો, ત્યારબાદ તે મહિલાઓ પણ ભાગવા લાગી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલીક મહિલાઓના ફોટા સાથે લખવામાં આવી રહ્યું છે કે, બાળક ઉઠાવી જતી ગેંગ સક્રિય થઈ છે, જેથી તમારા બાળકોને સાચવો. વેરાવળની ઘટના પહેલા પણ અમદાવાદના વાડજમાં ત્રણ મહિલાને બાળક ચોર સમજી લોકોએ ઢોર માર માર્યો હતો, જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું, ગઈ કાલે પોલીસે આવા વીડિયો-મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ કરતા એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે.

(6:35 pm IST)